Business, EL News
હિંડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથ સાથે જોડાયેલા મુદ્દાને કારણે શેરબજારમાં ઉથલપાથલને લઈને સેબીએ મોટું નિવેદન આપ્યું છે. અદાણી મામલે સેબીએ જણાવ્યું હતું કે, તે બજારમાં નિષ્પક્ષતા, કાર્યક્ષમતા અને તેનું મજબૂત માળખું જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ કે શેરબજાર સરળ, પારદર્શક, કાર્યક્ષમ રીતે કાર્ય કરે, જેમ કે તે અત્યાર સુધી કરતું આવ્યું છે.
સેબીએ જણાવ્યું હતું કે, છેલ્લા સપ્તાહ દરમિયાન એક કારોબારી ગ્રૂપના શેરના ભાવમાં અસામાન્ય અસ્થિરતા જોવા મળી હતી. બજારની સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે અમુક ખાસ શેરોમાં ભારે અસ્થિરતાનો સામનો કરવા માટે તમામ મોનિટરિંગ મિકેનિઝમ્સ કાર્યરત છે. જાણાવી દઈએ કે, છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં નવ લાખ કરોડ સુધીનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો…ગાંધીનગર: દહેગામમાં રખડતાં ઢોરની અડફેટે મહિલાનું મોત
અદાણીની 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઘટાડો
24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રૂપની કુલ માર્કેટ કેપ 19.2 લાખ કરોડ હતી, જે 3 ફેબ્રુઆરીના બિઝનેસ સેશન પછી ઘટીને માત્ર 10 લાખ કરોડ પર પહોંચી હતી. દલાલ સ્ટ્રીટ પર અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓ છે. આ કંપનીઓ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અંબુજા સિમેન્ટ્સ, ACC અને NDTV છે. હિંડનબર્ગનો રિપોર્ટ સાર્વજનિક થયો ત્યારથી આ કંપનીઓના શેરમાં અત્યાર સુધીમાં લગભગ 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર સતત દબાણ હેઠળ છે
હિંડનબર્ગનો અહેવાલ જાહેરમાં આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરો શેરબજારમાં ઉથલપાથલ મચાવી રહ્યા છે, જેમાં જૂથના ખાતાઓમાં મોટા પાયે હેરાફેરી અને છેતરપિંડીનો દાવો કરવામાં આવ્યો હતો. હિન્ડેનબર્ગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપના શેરમાં મૂળભૂત ધોરણે 85 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આનું કારણ કંપનીના આસમાની વેલ્યુએશન છે. અહેવાલમાં અદાણી ગ્રૂપ પર છેલ્લા કેટલાક દાયકાઓથી ખાતાઓમાં હેરાફેરી, સ્ટોકમાં હેરાફેરી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.