Business:
ટોપ-10 અબજપતિઓની યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. એલન મસ્ક હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા, બલ્કે તેઓ બીજા સ્થાને સરકી ગયા છે. ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટે તેમને સંપત્તિની રેસમાં માત આપી છે. બર્નાર્ડ આર્નોલ્ટ 186.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
આ પણ વાંચો…AMCનો મહત્વપૂર્ણ નિર્ણય
એલન મસ્કની નેટવર્થમાં આટલી થઈ
ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, લાંબા સમય સુધી સૌથી અમીર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ જાળવી રાખનાર એલન મસ્કની સંપત્તિમાં ઘટાડા બાદ તેઓ પ્રથમ નંબરથી બીજા સ્થાને સરકી ગયા છે. એલન મસ્કની નેટ વર્થ ઘટીને 181.3 બિલિયન ડોલર્સ થઈ ગઈ છે. જો કે, મસ્ક અને આર્નોલ્ટ વચ્ચેનું અંતર વધારે નથી. બંનેની સંપત્તિમાં માત્ર 5.2 બિલિયન ડોલર્સનું જ અંતર છે.
2021થી હતા સતત નંબર વન
નોંધપાત્ર રીતે, વર્ષ 2021માં, સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના સીઇઓ એલન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. એમેઝોનના જેફ બેઝોસને હરાવીને તેમણે આ સ્થાન હાંસલ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, તે સમયે મસ્કની નેટવર્થ 188 બિલિયન ડોલર્સ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે નંબર વન પર બેઝોસની નેટવર્થ ઘટીને 187 બિલિયન ડોલર્સ થઈ ગઈ હતી. હવે જેફ બેઝોસ 113.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે. તેમને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે.
ગૌતમ અદાણી ત્રીજા નંબર પર
ટોપ-10 અબજોપતિઓની યાદીમાં સામેલ બંને ભારતીય ઉદ્યોગપતિઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. અત્યાર સુધીમાં, ફોર્બ્સના ડેટા અનુસાર, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી 134.6 બિલિયન ડોલર સાથે વિશ્વના સૌથી ધનિકોમાં ત્રીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રહ્યા છે. જયારે આ યાદીમાં બીજા ભારતીય ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 92.8 બિલિયન ડોલર્સ સાથે આઠમા સ્થાને યથાવત છે.
લિસ્ટમાં આ અબજોપતિ પણ સામેલ
ફોર્બ્સની યાદી અનુસાર, વોરેન બફેટ 108.1 બિલિયન ડોલર્સની નેટવર્થ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં પાંચમા ક્રમે છે. જયારે બિલ ગેટ્સ $ 106.5 બિલિયન ડોલર્સ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. અન્ય ધનિકોની વાત કરીએ તો, 103.9 બિલિયન ડોલર્સ સાથે સાતમા નંબર પર લેરી એલિસન, 81.8 બિલિયન ડોલર્સ સાથે નવમા નંબરે કાર્લોસ સ્લિમ હેલુ અને 81.7 બિલિયન ડોલર્સ સાથે 10મા નંબર પર સ્ટીવ બાલ્મર છે.
ટોપ-10માંથી બહાર થયા બે ધનિકો
અબજોપતિઓની યાદીમાં વધુ એક ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી ટોપ-10માં રહેલા બે દિગ્ગજ અબજોપતિ હવે આ યાદીમાંથી બહાર થઈ ગયા છે. લેરી પેજ હવે 81.2 બિલિયન ડોલર્સની નેટવર્થ સાથે 11માં નંબરે છે, જ્યારે સેર્ગેઈ બ્રિન 77.9 બિલિયન ડોલર્સ સાથે 12માં નંબરે છે. આ સિવાય ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ 41.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 26માં સ્થાને છે.