Ahmedabad :
વિધાનસભાની ચૂંટણીઓમાં પાર્ટીઓ અને પંચની સાથે સાથે સુરક્ષદળો પણ સજ્જ બની રહ્યા છે. આજે અમદાવાદમાં સીઆરપીએફના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. ચૂંટણીની આ જાહેરાત થતાં જ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સુરક્ષા દળો એલર્ટ થઈ ગયા છે.
વેજલપુર વિસ્તારમાં સીઆરપીએફ એ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જાહેર કરાયેલી તારીખો મુજબ 8મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો માટે 59 લાખ 93 હજાર કરતા વધુ મતદારો છે.
આ પણ વાંચો… તમારું પેન કાર્ડ આવી રીતે બની શકે છે મોટી મુસીબત, થઈ શકે છે 10 હજાર રૂપિયાનો દંડ: જાણો નિયમ
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ અમદાવાદ સહીત વિવિધ શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવશે.
અમદાવાદ ઉપરાંત સુરતના રાંદેર, અમરોલી, પાંડેસરા ખાતે પણ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે. નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે સુરતમાં અર્ધલશ્કરી દળ તહેનાત કરવામાં આવ્યું છે. સુરતના સંવેદનશીલ વિસ્તાર એવા રાંદેર, અમરોલી, જહાંગીરપુર, લિંબાયત, પાંડેસરા વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોએ ફ્લેગ માર્ચ પણ કરી હતી.