Gandhinagar :
આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત આ બન્ને ખર્ચ નિરીક્ષકઓ દ્વારા ઉમેદવારોના ખર્ચ સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લાના નોડલ અધિકારીઓ, તમામ મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસર્સ તેમજ એ.આર.ઓ. સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ દહેગામ, ગાંધીનગર(દ), ગાંધીનગર(ઉ), માણસા અને કલોલ વિધાનસભા મતવિભાગનો સમાવેશ થાય છે. આ પાંચેય વિધાનસભા મતવિભાગના ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર(ઉ) અને માણસા વિધાનસભા મતવિભાગ માટે એડિશનલ ઇન્કમટેક્ષ કમિશનર, લખનઉ વી.એસ. નેગીની નિમણૂક કરવામાં આવી છ
જ્યારે દહેગામ, ગાંધીનગર(ઉ) અને કલોલ વિધાનસભા મતવિભાગ માટે એડિશનલ ઇન્કમટેક્ષ કમિશનર, કાનપુર શ્રી સંતોષકુમારની નિમણૂક કરવામાં આવી છે. ખર્ચ સંબંધિત બાબતે કોઇ પણ ઉમેદવાર કે નાગરિક એક્સપેન્ડિચર ઓર્બ્ઝવર વી.એસ. નેગીનો મોબાઇલ- ૬૩૫૬૫ ૫૭૯૭૪ અને સંતોષકુમારનો મોબાઇલ નંબર- ૬૩૫૬૫ ૫૭૯૭૩ પર સંપર્ક કરી શકશે.
આ બંને ખર્ચ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર જિલ્લાની વિવિધ ચૂંટણી સંબંધિત ટીમોના નોડલ અધિકારીઓઓ, આર.ઓ. અને એ.આર.ઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક વી.એસ. નેગીએ તમામ એ.આર.ઓ. પાસેથી ઉમેદવારી પત્ર વિતરણના બીજા દિવસમાં કેટલા ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે તેમજ અત્યાર સુધીમાં કુલ કેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે તેની વિગતો મેળવી હતી. તેમણે તમામ ઉમેદવારોને અલગ બૅંક એકાઉન્ટ તેમજ ખોલાવવા તેમજ ચૂંટણી ખર્ચની મર્યાદા સહિત તેમની ખર્ચ સંબંધિત વિગતોથી સુમાહિતગાર કરવા પણ જણાવ્યું હતું.
ખર્ચ નિરીક્ષકઓએ વધુમાં વી.એસ.ટી. ટીમના નોડલ અધિકારીને જે અંગેની પરમિશન આપી હોય તે તમામ વાહનો, હોર્ડિગ્સ અને અન્ય ચીજવસ્તુઓનો ખર્ચ ગણવા માટે જણાવ્યું હતું. તે ઉપરાંત, કોઇ પણ અધિકારી કે કર્મચારીને તાલીમ અપાઇ હોય, તે પછી કોઇ કારણોસર અન્યની નિમણૂક કરવામાં આવે, તેવા કિસ્સામાં નવી નિમણૂક પામનાર અધિકારી-કર્મચારીને તમામ વિગતોથી વાકેફ કરવા યોગ્ય માર્ગદર્શન આપવા નોડલ અધિકારીઓને જણાવ્યું હતું.
તેમણે તમામ વિધાનસભા મતવિભાગની ચેક પોસ્ટ વિશેની માહિતી મેળવી હતી. ચેકિંગ પોઇન્ટ પર ફરજિયાત રીતે એક મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી અને ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓની ઉપસ્થિતિમાં જ વાહનનું ચેકિંગ કરવા જણાવ્યું હતું તેમજ તમામ કાર્યવાહીની વિડિયોગ્રાફી કરાવવા માટે પણ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને વિડિયો વ્યૂઇંગ ટીમને વિગતવાર કામગીરી અંગે તેમજ મીડિયા મોનિટરિંગ ટીમને ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં આવતા પેઇડ ન્યૂઝ અને જાહેરખબર અંગે બારીકાઇથી નિરીક્ષણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ગોહિલ સહિત સંબંધિત ટીમના નોડલ અધિકારીઓ તથા ગાંધીનગર જિલ્લાના તમામ મતવિસ્તારોના આર.ઓ., એ.આર.ઓ. સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.