Ahmedabad , EL News
રાજ્યમાં કમોસમી વરસાદથી લોકોએ હાશકારો લીધાને હજુ તો માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વાતાવરણમાં પલટો થવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે આગામી 24 કલાકમાં માવઠાની કોઈ શક્યતા નહીં હોવાનું જણાવ્યું છે. સાથે જ આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવના દાખવી છે. વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ થવાની વધુ સંભાવના નથી. પરંતુ, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વિભાગે આગાહી કરી કે 28થી 31 માર્ચ સુધીમાં હળવા વરસાદ સાથે અને વીજળી સાથે માવઠું પડી શકે છે.
આ પણ વાંચો…રેસિપી / સાબુદાણાને પલાળ્યા વગર બનાવો ટેસ્ટી પકોડા
31 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
વિભાગના અધિકારીએ વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે કહ્યું કે, 29 માર્ચે રાજકોટ, મોરબી, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 30 માર્ચે રાજકોટ, મોરબી, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગરમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. 31 માર્ચે અમદાવાદ અને ગાંધીનગર સહિત મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે. વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની પણ સંભાવના છે. જોકે, ત્યાર બાદ 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે.