Ahemdabad, EL News
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય, ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, ગીર-સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે.
કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
અમદાવાદની વાત કરીએ તો ગત રાતથી શહેરમાં વરસાદ રોકાઈ રોકાઈને પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર, શિવરંજની, સોલા, મકરબા, સરખેજ, વાસણા, સિંધુભવન, બોપલ, ચાંદખેડા, રાણીપ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં કાલ રાતથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો કે, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.
વિવિધ વિસ્તારમાં 1થી દોઢ ઇંચ વરસાદ
આ પણ વાંચો… સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર
હવામાન વિભાગે સમુદ્રમાં બે સિસ્ટમ એક સાથે સક્રિય થતા રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે હેઠળ કાલ રાતથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નરોડા, બાપુનગર, કુબેરનગર, સરદારનગર, વટવા, નારોલ, ઘોડાસર સહિતના વિસ્તારોમાં 1થી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ઉપરાંત, અન્ય વિસ્તાર જેમ કે રાણીપ, ચાંદખેડા, સાબરમતી, મણિગર, કાંકરિયામાં એક ઇંચ, ચાંદલોડિયા, ઉસ્માનપુરા, સાયન્સ સિટી, ઇન્કમટેક્સ, વાડજમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.