Ahmedabad, EL News
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજથી રાજ્યભરમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે બપોરના 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે રાજ્યના તમામ કેન્દ્રો પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આધારકાર્ડ, આઈકાર્ડ, પેન, કોલ લેટર સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો છે, ઉપરાંત, પરીક્ષાર્થીઓની સઘન ચેંકિગ પણ કરવામાં આવી છે, તમામ કેન્દ્રો પર cctv કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
બૂટ, ચપ્પલ, સેન્ડલ અને મોજા વર્ગની બહાર કઢાવાયા
મીડિયા અહેવાલ મુજબ, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ, ટેબલેટ, પર્સ, સ્માર્ટ વોચ, વોલેટ, પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ પરીક્ષાર્થીઓને બેગ પણ સાથે લઈ જવામાં પ્રતિબંધ છે, એટલું જનહીં બૂટ, ચપ્પલ, સેન્ડલ અને મોજા પણ વર્ગની બહાર કઢાવા કહેવાયું છે. જણાવી દઈએ કે, રાજ્યના લગભગ 3 હજાર જેટલા કેન્દ્ર પરથી 9 લાખ 58 હજાર ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે. આ પહેલા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ અંગે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં આ એવી પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા હશે, જેમાં બોડીવોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરાશે.
આ પણ વાંચો…બૂથ સશક્તિકરણ અભિયાન-2023 સી.આર. પાટીલની હાજરી
વડોદરામાં 120 કેન્દ્ર પર 1200 ઉપરાંત વર્ગોમાં 36 હજારથી વધુ ઉમેદવારો
તેમણે વધુમાં કહ્યું હતું કે, પરીક્ષા પહેલા ઉમેદવારોએ 11 વાગીને 45 મિનિટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લઈ લેવાનો રહેશે. મોડે આવનારા ઉમેદવારોને પ્રવેશ અપાશે નહીં. ડમી ઉમેદવારને ઓળખી પાડવા માટે 500થી વધુ સ્ક્વોડ મોનિટરિંગ કરશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસકર્મીઓની તૈનાતી અને દરેક વર્ગનું સીસીટીવીથી મોનિટરિંગ થશે. વડોદરામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 120 કેન્દ્ર પર 1200 ઉપરાંત વર્ગોમાં 36 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં 36 હજારથી વધુ પરીક્ષાર્થીઓ બહારગામથી આવી પહોંચ્યા હતા.