Ahemdabad, EL News
આજે એટલે કે 20 જૂન, 2023ના રોજ ઓડિશાના પુરી સહિત દેશના ઘણા ભાગોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ વર્ષે 146મી રથયાત્રા નીકળી રહી છે. વહેલી સવારે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કર્યા પછી ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રથયાત્રા પહેલા અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો. પછી ભગવાનને તમના ભાઈ-બહેન સુભદ્રાજી અને બલરામ સાથે એમના રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને અહીંના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે 7:00 કલાકે પહિંદ સમારોહ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રથયાત્રામાં ભાગ લેવા માટે દૂર-દૂરથી ભક્તો પુરીના જગન્નાથ મંદિરે પહોંચે છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે જે પણ જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને લક્ષ્મી નારાયણની કૃપા તેના પરિવાર પર વર્ષભર વરસતી રહે છે. તો ચાલો જાણીએ જગન્નાથ રથયાત્રા વિશે.
રથયાત્રાનું મહત્ત્વ
જગન્નાથ રથયાત્રા હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથિએ કાઢવામાં આવે છે. રથયાત્રાનો આ તહેવાર 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા માટે નીકળે છે. આ દરમિયાન ત્રણેયની મૂર્તિઓને અલગ-અલગ રથમાં સ્થાપિત કરીને ખૂબ જ ભવ્ય રીતે રથયાત્રા કાઢવામાં આવે છે. પુરીની આ રથયાત્રા સૌહાર્દ, ભાઈચારા અને એકતાનું પ્રતિક છે. આ યાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને દેવતાનો રથ ખેંચીને સૌભાગ્ય મેળવે છે. કહેવાય છે કે જે પણ રથયાત્રામાં ભાગ લે છે તેને દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ મળે છે.
રથયાત્રા સાથે જોડાયેલી માન્યતાઓ
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન જગન્નાથ, બલભદ્ર જી અને દેવી સુભદ્રા રથયાત્રા દરમિયાન રથમાં બેસીને તેમના ગુંડિચા મંદિરે જાય છે. એવું કહેવાય છે કે ગુંડિચા મંદિર જગન્નાથજીની માસીનું ઘર છે. અહીં ત્રણેય ભાઈ-બહેન 7 દિવસ આરામ કરે છે. આ પછી અષાઢ શુક્લ પક્ષની દશમી તિથિ પર ભગવાન જગન્નાથ, બલભદ્ર જી અને દેવી સુભદ્રાને મંદિર પાછા આવી જાય છે.
પુરી ઉપરાંત દેશના આ સ્થળોએ રથયાત્રા નીકળે છે
આ પણ વાંચો… PM મોદી યુએસ સંસદના સંયુક્ત સત્રને કરશે સંબોધિત,
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત, મથુરા, વારાણસી, દિલ્હી, ભોપાલ, પંજાબ, આંધ્રપ્રદેશ, કાનપુર અને અન્ય શહેરોમાં પણ હર્ષોલ્લાસ સાથે રથયાત્રાઓ કાઢવામાં આવે છે. આ સિવાય દિલ્હીમાં જગન્નાથ રથયાત્રા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હૌજ ખાસના જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.