Shivam Vipul Purohit, India:
અદાણી ગ્રૂપ હંમેશા યુવા ખેલાડીઓની પ્રતિભાઓના ઉત્થાન માટે સક્રિય યોગદાન કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના યુવાનોની ક્રિકેટમાં અદભૂત પ્રતિભા છે, પરંતુ ગરીબી અને સંસાધનોના અભાવે તેઓ ક્રિકેટ જેવી લોકપ્રિય રમતની તાલીમ લઈ શકતા નથી. કાશ્મીરના દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈનની ક્રિકેટ એકેડમી બનાવવાની મહત્વકાંક્ષાને જોતા અદાણી ફાઉન્ડેશને મહત્વપૂર્ણ સહાય કરી છે. ફાઉન્ડેશને યુવા પ્રતિભાઓના ખેલ કૌશલ્યના વિકાસ માટે રૂ. 67.60 લાખના યોગદાનની જાહેરાત કરી છે.
અનંતનાગમાં ઇન્ડોર ક્રિકેટ એકેડમી બનાવી આમિર ગરીબ યુવાનોને ફ્રી ક્રિકેટ ટ્રેનિંગ આપવા ઈચ્છે છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે આમિર હુસૈનના આ નિર્ણયની પ્રશંસા કરી છે. જરૂરિયાતમંદ યુવાનોના સપનાઓ સાકાર કરવા ઇન્ડોર ક્રિકેટ એકેડમી બનાવવા અદાણી ફાઉન્ડેશને રૂ. 67.60 લાખની સહાય કરી છે.
અદાણી ફાઉન્ડેશનની આર્થિક મદદ થકી જમ્મુ-કાશ્મીર પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન આમિરે ક્રિકેટ એકેડમીની સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. રમતના મેદાન સહિત તે એકેડેમી માટે ઇમારત ઉભી કરવા ઈચ્છે છે. પ્લેગ્રાઉન્ડ સહિતનું સેટઅપ તૈયાર થયા બાદ આમિર બિજબેહારા, કેટરિટેંગ, વાઘામા, સંગમ, મરહામા, દાદુ, તકીબલ, કાંદિપોરા, ખીરામ, સિરહામા, શાલીગામ, પંચપોરા અને અનંતનાગ, પલવામા, શોપિયાં જિલ્લાઓમાં રહેતા ખેલાડીઓને યોગ્ય તાલીમ આપશે.
નવનિર્મિત એકેડમીમાં એક વર્ષ માટે રણજી ટ્રોફી અને અન્ય ટ્રાયલ માટે લગભગ 100 ખેલાડીઓની પસંદગી કરી તાલીમ અપાશે. આમિર અંડર-16, અંડર-19 ખેલાડીઓને તાલીમ આપવા માંગે છે જેઓ ભારત માટે રણજી ટ્રોફી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. તેનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના યુવાનોમાં સ્પિન, ફાસ્ટ બોલિંગ અને સ્વિંગની પ્રતિભા છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે ફાયદાકારક છે.
અનંતનાગ જિલ્લાના દિવ્યાંગ ક્રિકેટર આમિર પાસે બંને હાથ નથી પણ દૃઢ ઈચ્છાશક્તિ અને મજબૂત આત્મવિશ્વાસના જોરે 2013થી તે ક્રિકેટ રમી રહ્યો છે. 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાની મિલમાં અકસ્માત નડતા તેણે હાથ ગુમાવ્યા હતા. બેટિંગ માટે આમિર તેના ખભા અને ગરદન વચ્ચે બેટ પકડે છે. બોલિંગ માટે તે પગનો ઉપયોગ કરે છે.