Kutch:
2001ના ભૂકંપનો અનુભવ કરવા માટે કચ્છમાં આ જગ્યા પર વિશેષ થિયેટર નિર્માણ કરાયું. આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે.
ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતૂથી કચ્છમાં સ્મૃતિ વનમાં એક મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે.
અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે.

અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.
-વર્ચ્યુઅલ રિયાલીટી, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનથી ઉમદા અનુભવ
મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો..ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું.
સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ
કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.
જાપાન અને દ.આફ્રિકામાં પણ ભૂંકપને સમર્પિત મ્યૂઝિયમ
જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે.
ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.