Gandhinagar, EL News
G 20 અંતર્ગત આજથી ગાંધીનગર ખાતે પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક મળી છે. જેના ભાગરૂપે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ,ગાંધીનગર ખાતે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

આ બેઠક તમામ સહભાગી દેશોને આપત્તિ દરમિયાનના તેમને થયેલા અનુભવો અને તેમાંથી શીખવા મળેલી બાબતો ના આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
G 20 અંતર્ગતની આપત્તિ વ્યવસ્થાપનની બેઠક સંદર્ભે ડો. પી.કે. મિશ્રાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો યાદ રાખવા થી જોખમ અંગે જાગૃતતા વધારવામાં મદદ મળી શકે છે. નવી આફતો અને આપત્તિઓના પુનરાવર્તનને ટાળવા અને જોખમોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. ભૂતકાળની આપત્તિઓમાંથી મળેલા અનુભવો આવતીકાલની તૈયારીઓ માટે ઉમદા તકો પુરી પાડે છે. વળી સંભવિત આપત્તિને રોકવા માટે પ્રેરણારૂપ બની રહે છે.
વધુમાં તેમણે 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી નિર્માણ થયેલ ‘સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ’,નો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવા માટે સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે.