Surat:
બારડોલી સુરત ગ્રામ્ય સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે કામરેજના વલથાણ નહેર પાસેથી સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 1 લાખ 25 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. mortinexotics_999 મારફતે આઇ.ડી. ધારક એક્ઝોટીક એનિમલનું ગેરકાયદે વેચાણ કરે છે. અને તેણે તેની આઈ.ડી. પર ઘણા બધા પ્રાણીઓના ફોટા મુકેલ છે.’
આ બાતમીના આધારે વર્કઆઉટ કરી ડમી ગ્રાહક ઊભો કરવામાં આવ્યો હતો. ગ્રાહકે આઈ.ડી. ધારકને ફોન કરી ઊંભેળ ગામ પાસે બોલાવ્યો હતો. માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયા (રહે સંજીવીની હાઉસિંગ સોસાયટી, ચલથાણ) નામનો યુવક એક ડબ્બો લઈને આવ્યો હતો.
ડમી ગ્રાહકને પ્રાણી આપવા જતાં જ પોલીસે તેણે ઘેરી લઈ તેની પાસેથી એક સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઈથન નામનો સાપ કિંમત રૂ. 1.20 લાખ, બે સફેદ ઉંદર કિંમત રૂ. 200 અને એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5 હજાર મળી કુલ 1 લાખ 25 હજાર 200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
કેરળના યુવકે આપ્યો હતો સાપ
માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયા ઇન્સ્ટાગ્રામ આઈ.ટી. મારફતે એક્ઝોટીક એનિમલ સંલગ્ન કચેરીની પરવાનગી તથા પ્રમાણપત્રો સાથે ગ્રાહકને આપવાની જાહેરાતો કરતો હતો. આથી પોલીસે ડમી ગ્રાહક ઊભા કરી જાળ બિછાવી માર્ગેશને પકડી લીધો હતો.
પૂછપરછમાં તેણે આ સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઈથન નામનો સાપ કેરલ રાજ્યના અથુલ રોમારિયા નામના ઇસમ પાસેથી વગર પાસ પરમીટે પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરવા માટે ખરીદેલ હોવાનું જણાવ્યુ હતું.