Surat, EL News
મંગળવારે સવારે ઉત્રાણ વિસ્તારની ઓળખ એવા જાણીતા ઉત્રાણ પાવર હાઉસના ટાવરને માત્ર 7 સેકન્ડમાં નેસ નાબૂદ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, કન્ટ્રોલ બ્લાસ્ટથી પાવર હાઉસની આ ચીમનીને ધ્વસ્ત કરવામાં આવી છે. 30થી 40 મિનિટમાં આ કામગીરી કરવામાં આવી છે.
ટાવર માત્ર 7 સેકેન્ડમાં ધ્વસ્ત કરાયો
જણાવી દઈએ કે, સુરતના ઉત્રાણ વિસ્તારમાં પાવર હાઉસનો ટાવર લગભગ 30 વર્ષ જૂનો હતો. આ કૂલિંગ ટાવર અંદાજે 85 મીટર ઊંચો અને 70 મીટર પહોળો હતો. આજે કન્ટ્રોલ બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં ટાવરને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. માહિતી મુજબ, બ્લાસ્ટ કરવાની સંપૂર્ણ કામગીરીને લગભગ 30થી 40 મિનિટનો સમય લાગ્યો હતો. આ ટાવરને પાડવા માટે અંદાજે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરાયો હતો. ટાવર પડ્યા બાદ ધૂળના વાદળો દૂર દૂર સુધી દેખાયા હતા. જોકે આ ડિમોલિશનની કાર્યવાહીમાં કોઈ નુકસાન થયું નથી.
આ પણ વાંચો…Bank ડુબવા પર કસ્ટમર્સના રૂપિયાનું શું થાય છે?
2017માં જર્જરિત જાહેર કરાયો હતો
માહિતી મુજબ, વર્ષ 2017માં ઉત્રાણ વિસ્તારમાં આવેલા પાવર હાઉસના આ ટાવરને જર્જરિત, ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ કાર્યરત હતાં, જેમાંથી 135 મેગા વોટનો આ પ્લાન્ટ લગભગ 30 વર્ષ જૂનો હતો. વર્ષો જૂનો અને જર્જરિત હોવાના કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મંગળવારે સવારે આ ટાવરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી આ ટાવરને ધ્વસ્થ કરવામાં આવ્યો છે.
ટાવરના એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા
એક અધિકારીના જણાવ્યા મુજબ, પાવર હાઉસના આ ટાવરને ધરાશાયી કરવા માટે એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા હતા. 85 મીટરની ઉંચાઈ ધરાવતા આ કુલિંગ ટાવરમાં 72 જેટલા પીલર હતા, જેમાં હોલ પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પિલરમાં એક્સપ્લોઝિવ મૂકવામાં આવ્યો હતો, ત્યાર બાદ રિમોર્ડ કંન્ટ્રોલથી બ્લાસ્ટ કરીને ટાવરને તોડી પાડવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, ડિમોલિશનની આ કાર્યવાહી કોઈ પણ નુકસાન વગર સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.