Surat :
સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ કોમ્પલેક્સમાં રાત્રિના 2.10 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચ થી સાત મિનિટમાં ગૅસ કટરથી IDBI બેન્કનું ATM મશીન કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે.
દિવાળીના તહેવારો બાદ હજી રજાનો માહોલ પૂર્ણ થયો નથી. ત્યાં તો તસ્કરોએ પલસાણા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા IDBI બેન્કના ATM મશીનને નિશાન બનાવ્યું છે. તસ્કરો ગૅસ કટરથી મશીન કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. ત્યારે સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર કેસરીનંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં પહેલા માળે IDBI બેન્કની શાખા આવેલી છે અને નીચે જ ATM મશીન આવેલું છે. આ મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી. બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં ચારથી પાંચ તસ્કરો બે ગૅસ કટર મશીન લઈને IDBI બેન્કના એટીએમમાંપ પ્રવેશે છે અને ગણતરીની મિનિટોમાં ATM મશીન ગૅસ કટર વડે કાપી તેમાંથી 17.70 લાખ રૂપિયા રોકડા ચોરી કરી નાસી છૂટે છે. અંદાજિત 5 થી 7 મિનિટની અંદર સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને મોટી રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
વહેલી સવારે કોમ્પ્લેક્સમાં લોકોની અવરજવર વધતાં ચોરીની ઘટનાની જાણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પલસાણા પોલીસ તેમજ જિલ્લા LCB અને SOGની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી . આ અંગે બેન્ક મેનેજરની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાય હોવાનું જાણવા મળે છે.
-
– ચોરીનું ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકી ગયા
પલસાણા ચાર રસ્તા પાસે આવેલા IDBI બેન્કના ATM મશીનમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ગૅસ કટરનો ઉપયોગ કર્યો હતો. તેમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે લાવેલ એક કોમર્શિયલ ગૅસ સિલિન્ડર સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. આ ગૅસ સિલિન્ડર નવસારી વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો… રાજકોટમાં ધોળે દિવસે ડોક્ટરના ઘરમાં થઈ ચોરી
-
– પોલીસ દ્વારા વારંવાર નોટિસ છતાં બેન્કો સિક્યુરિટીની વ્યવસ્થા કરતી નથી
પોલીસની વારંવારની લેખિત નોટિસ અને મિટિંગ કરી બેન્ક મેનેજરોને જાણ કરવામાં આવી હોવા છતાં ATM મશીન અને બેન્કોની સિક્યુરિટી માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેને લઈ આ પ્રકરાની ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ બેન્ક ઉપર રાખવામાં આવેલા ગાર્ડને છેલ્લા દોઢ મહિનાથી ખસેડી લેવામાં આવ્યો છે. પરિણામે ચાર રસ્તા પર ભરચક વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ચોરીની ઘટના બની હતી.
-
તસ્કરો રીઢા હોવાનું અનુમાન
પોલીસની પ્રાથમિક તપાસમાં અને ચોરીની ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં તસ્કરો રીઢા હોવાનું જણાઈ આવ્યું છે. જે રીતે માત્ર પાંચથી સાત મિનિટમાં ATM મશીન કાપી ચોરી કરી ગયા તે જોતાં પ્રોફેશનલ ગેંગ ફરી સક્રિય થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પ્રાથમિક તબક્કે પોલીસ પણ CCTV ફૂટેજના આધારે તપાસ કરી આ જ દિશામાં વર્ક આઉટ કરી રહી છે.