શહેરા, પંચમહાલ: હાલ ચાલી રહેલ ચોમાસાની સીઝનમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કુદરતી આપત્તી, વીજળી પડવાના તેમજ આગ લાગવાના બનાવો બન્યા હતા.જે પૈકી સુરેલી ગામના ભેમાભાઈ છગનભાઈ પગીના બે બળદ આકસ્મિક આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા,એ જ પ્રકારે વરસાદ સાથે આકાશી વીજળી પડવાને કારણે નાડા ગામના અરવિંદભાઈ રયજીભાઈ ખાંટની એક ભેંસનું મોત નિપજ્યું હતું.
જ્યારે શેખપુર ગામના જીતાબેન ગલાબભાઈ પટેલીયાના મકાનને પણ વરસાદના કારણે નુક્શાન થવાની સાથે ઘરવખરીને પણ નુક્શાન પહોંચ્યું હતું.
જેને લઈને તેઓને નુકશાનની સહાય મળે તે માટે જેતે ગ્રામપંચાયતના તલાટી કમમંત્રી દ્વારા જેતે સમયે જરૂરી દસ્તાવેજ સહિતના કાગળો તાલુકા પંચાયત કચેરી ખાતે મોકલી અપાયા હતા.
જેને લઈને આ ત્રણેય લાભાર્થીઓને તેઓને થયેલ નુકશાનની સહાય સરકાર દ્વારા મંજૂર કરાતા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદહસ્તે શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા તેમજ ઈન્ચાર્જ મામલતદાર ની ઉપસ્થિતિમાં ત્રણેય લાભાર્થીઓને રૂપિયા ૧.૫૦ લાખ ઉપરાંતના સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ભેમાભાઈ પગીને રૂ.૮૦,૦૦૦નો ચેક, જીતાબેન પટેલીયાને રૂ.૫૩,૫૫૦નો ચેક જ્યારે અરવિંદભાઈ ખાંટને રૂ.૩૦,૦૦૦ નો ચેક અર્પણ કરાયો હતો.
આમ શહેરા તાલુકાના જુદા-જુદા ગામોમાં થયેલ કુદરતી આફતોમાં થયેલ નુકશાનીની સહાય સરકાર દ્વારા તાત્કાલિક મળે તે માટે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.