પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં સારા વરસાદ વરસવાને લઈને જિલ્લાના જળાશયોમાં નવાનીરની આવક થઈ હતી. પાનમડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને લઈને ૩૩૪૧ ક્યુસેક નવાનીરની આવક થઈ હતી,જ્યારે હડફ ડેમમાં ૩૫ ક્યુસેક નવાનીરની આવક જોવા મળી હતી. પાનમ ડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગની આગાહી બાદ રવિવારના રોજ રાજ્યના કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં ભારેથી અતિભારે અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ક્યાંક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, તો સતત વરસી રહેલા વરસાદથી નવાનીર આવતા રાજ્યમાં આવેલ કેટલાક જળાશયો તેમજ નદીનાળામાં સારી એવી આવક થઈ છે.
ત્યારે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા પાનમડેમના ઉપવાસમાં આવેલ વિસ્તારોમાં સારા વરસાદ થવાને કારણે આ વર્ષે પ્રથમવાર પાનમડેમમાં ૩૩૪૧ ક્યુસેક નવાનીરના પાણીની આવક થઈ હતી,હાલ પાનમ ડેમની જળસપાટી ૧૧૯.૩૦ મીટર છે.
જ્યારે ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. બીજી તરફ હડફ ડેમમાં પણ નવાનીરના પાણીની આવક થઈ હતી.
હડફ ડેમમાં ૩૫ ક્યુસેક નવાનીરના પાણીની આવક નોંધાઇ હતી,હડફ ડેમની જળસપાટી હાલ ૧૫૭.૫૦ મીટર છે જ્યારે રૂલ લેવલ ૧૬૪.૫૦ મીટર છે.
જેથી હાલની જળસપાટી રૂલ લેવલ કરતા ૭ મીટર નીચી છે,જોકે હડફ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેથી જળસપાટીમાં વધારો થશે.
જો ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હોય તો આવનાર દિવસોમાં સારો વરસાદ વરસે તો પાનમ અને હડફ ડેમ પુરતો ભરાવાની સાથે સિંચાઈ વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેમ છે.
જોકે હાલ તો પાનમ ડેમમાં નવાનીરની આવક થવાને લઈને જીલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમજ ખેડૂતો એ સારો વરસાદ થવાને કારણે ચોમાસું ખેતી ની શરૂઆત પણ કરી દીધી છે.