શહેરા, પંચમહાલ:
શહેરા તાલુકાના ઉંમરપુર ગામની ધી સંતરામ સખી મંડળ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારીએ ૯૦ દિવસ માટે મોકૂફ કર્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉંમરપુર ગામે ચાલતી ધી સંતરામ સખી મંડળ નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા દુકાનમાં કેટલીક ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની ફરિયાદોને લઈને શહેરા પુરવઠા નાયબ મામલતદાર દ્વારા ધી સંતરામ સખી મંડળ નામની સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.
ઘઉંમાં ૧૮૦.૫૦૦ કિ.ગ્રા. ઘટ, ચોખામાં ૨૦૧.૫૦૦ કિ.ગ્રા. ઘટ જ્યારે કેરોસીનમાં ૭ લીટરની ઘટ
જેમાં જથ્થાની ખરાઈ કરાતા ઘઉંમાં ૧૮૦.૫૦૦ કિ.ગ્રા. ઘટ, ચોખામાં ૨૦૧.૫૦૦ કિ.ગ્રા. ઘટ જ્યારે કેરોસીનમાં ૭ લીટરની ઘટ જણાઈ આવવાની સાથે એન.એફ.એસ.એ. રેશનકાર્ડની દુકાનમાં જોઈ શકાય તે રીતે પ્રસિદ્ધ કરેલ ન હોય અને કેરોસીન વિતરણનું બોર્ડ તેમજ ફરિયાદ પેટી રાખેલ ન હોવાનું પણ સામે આવ્યું હતું.
કાર્ડધારકોને અનાજનો જથ્થો ઓછો અપાયો અને જથ્થો બારોબાર વગે કરાયો
ઉપરાંત ૧૧ જેટલા કાર્ડધારકોનું ક્રોસ ચેકીંગ કરાતા કાર્ડધારકોને અનાજનો જથ્થો ઓછો આપેલ હોવાનું અને જથ્થો બારોબાર વગે કરાયો હોવાનું જણાઈ આવ્યું હતું.જેમાં ઘઉંની ૫ કિ.ગ્રા, ચોખામાં ૫ કિ.ગ્રા, ખાંડમાં ૦.૫૦૦ કિ.ગ્રા તેમજ મીઠામાં ૨ કિ.ગ્રા.ની ઘટ જણાઈ આવી હતી, જ્યારે ઘઉંની ૧ કિ.ગ્રા, ચોખામાં ૪ કિ.ગ્રા, ખાંડમાં ૦.૩૫૦ કિ.ગ્રા, મીઠામાં ૪ કિ.ગ્રા તેમજ તુવેર દાળમાં ૪ કિ.ગ્રા. વધ જણાઈ આવી હતી.
સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ દિવસ માટે મોકૂફ
આમ ઉંમરપુર ગામની ધી સંતરામ સખી મંડળ નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ઘણીખરી ક્ષતિઓ સામે આવતા પુરવઠા નાયબ મામલતદાર દ્વારા આ અંગેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી અપાયો હતો, ત્યારે આ મામલે આખરે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉંમરપુર ગામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો ૯૦ દિવસ દિવસ માટે મોકૂફ કર્યો હતો.