રેસીપી:
મકાઈનું પંજાબી શાક
હાલમાં બહાર મસ્ત વરસાદી વાતાવરણ છે ત્યારે અનેક લોકોને બહારનું ખાવાનું મન તરત થઇ જાય છે. આ ઋતુમાં ભજીયા, મકાઇનું શાક, મકાઇ ચાટ, ડુંગળીના ભજીયા જેવી અનેક વાનગીઓ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આ વાનગીઓ તમે ઘરે ફટાફટ રીતે બનાવી શકો છો. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો ટેસ્ટી-ટેસ્ટી ગ્રેવીવાળુ મકાઇનું શાક..
સામગ્રી
જરૂર મુજબ મકાઇ
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણા સમારેલા ટામેટા
લીલા મરચા
તેલ
જીરું
હિંગ
આદુ-લસણની પેસ્ટ
ગરમ મસાલો
ચાટ મસાલો, ધાણાજીરું, લાલ મરચું, કસુરી મેથી, સ્વાદાનુંસાર મીઠું, કોથમીર, તજ, લવિંગ
બનાવવાની રીત:
મકાઇનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મકાઇને છોલીને બે પાણીથી ધોઇ લો. ત્યારબાદ આખી મકાઇના બે કટકા કરી લો.
હવે આ મકાઇને કુકરમાં બાફવા મુકો. બાફવા મુકતી વખતે ચપટી હળદર અને મીઠું નાંખો, જેથી કરીને મકાઇ ફિક્કી ના લાગે.
હવે મિક્સ ઝાર લો અને એમાં ડુંગળી, ટામેટા, તજ, લવિંગ, ઇલાયચી નાંખીને એક ગ્રેવી બનાવી લો. ત્યારબાદ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાંખો. પછી આમાં બનાવેલી ગ્રેવી એડ કરો.
આ ગ્રેવીને 10 થી 12 મિનિટ સુધી થવા દો. જેથી કરીને એમાંથી તેલ છૂટે. જ્યારે બરાબર તેલ છૂટવા લાગે એટલે એમાં આદુ-લસણની પેસ્ટ નાંખો અને 2 મિનિટ માટે થવા દો.પછી આમાં બાફેલી મકાઇ એડ કરો.
હવે બાફેલી મકાઇમાંથી દાણા કાઢી લો અને પછી આ ગ્રેવીમાં નાંખો. આ પ્રોસેસ થઇ જાય પછી આ મકાઇમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો અને અડધી ચમચી ચાટ મસાલો નાંખો.
હવે આને ઢાંકી દો અને 10 મિનિટ માટે થવા દો. જો તમને જરૂર લાગે તો તમે પાણી નાંખી શકો છો. 10 મિનિટ પછી ચેક કરો અને ટેસ્ટ કરી લો.
તો તૈયાર છે ગ્રેવીવાળુ મકાઇનું શાક. મકાઇનું આ શાક પરાઠાં સાથે ખાવાની બહુ જ મજા આવે છે.