Surendranagar:
સુરેન્દ્રનગર જિલ્લામાં 1.50 લાખથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જિલ્લામાં 8.39 લાખથી વધુ પશુનું પાલન થાય છે. ધ્રાંગધ્રા પંથકનાં ગામોમાં પશુઓમાં ફેલાયેલા જીવલેણ લમ્પી વાઇરસને કાબુમાં લેવા માટે પશુ ડૉકટરોની ટીમ ટૂંકી પડી રહી છે. આટલું ઓછું હોય તેમ ચોમાસામાં પશુઓમાં રોગચાળો વધુ ફેલાતો હોય છે ત્યારે આવી સ્થિતિમાં માત્ર 11 જ પશુ ડૉક્ટરો હોવાની વિગતો સામે આવી છે.
જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર છે.બીજી બાજુ પશુ નિરીક્ષકોની મંજૂર કરાયેલી 17 જગ્યા સામે 13 પશુ નિરીક્ષક કામ કરી રહ્યા છે, તેમાં પણ 4 જગ્યા ખાલી છે. જિલ્લામાં વર્ષ 2019-2020ની ગણતરી મુજબ 3,25,680 ગાય, 3,50,911 ભેંસ, 44,759 ઘેટાં અને 1,17,945 બકરી મળી કુલ 8,39,295 પશુ છે. જિલ્લામાં પશુઓને પૂરતી સારવાર મળે તે માટે પશુ ચિકિત્સક અને પશુ નિરીક્ષકની ખાલી જગ્યા અંગે જાણ કરાઈ છે. હાલ દરેક તાલુકામાં એક પશુ ચિકિત્સક છે.
વઢવાણના પશુ ચિકિત્સકને લખતરનો ચાર્જ સોંપાયો છે. ચોમાસામાં પશુઓ વધુ બીમાર પડતાં હોય છે ત્યારે ટીમ તૈયાર રહે છે. કોંઢ ગામે પશુઓના લીધેલા સેમ્પલ પૉઝિટિવ આવતાં પશુ ચિકિત્સક અને ટીમ ગામમાં કાર્યરત છે. લમ્પીની રસી શોધાઈ ન હોવાથી રોગગ્રસ્ત પશુઓને ઘેટાં-બકરાંને અપાતી અછબડાની રસી આપીએ છીએ તેમ જીલ્લા પશુ આરોગ્ય અધિકારી પી. પી. કણઝરીયાએ જણાવ્યું હતુ.