Ahmedabad, EL News
મંગળવાર મોડી રાતે દેશના વિવિધ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ત્યારે અમદાવાદમાં પણ ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. માહિતી મુજબ, અમદાવાદમાં રાણીપ, ગોતા, એસજી હાઇવે, વાડજ સહિતના વિસ્તારમાં લોકોને ભૂકંપનો અનુભવ થતા ઘરની બહાર દોડી આવ્યા હતા.
શહેરના આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
અમદાવાદમાં મંગળવારે મોડી રાતે રાણીપ, ગોતા, ચાંદખેડા, ડ્રાઇવિંગ રોડ, ગુરુકુળ, વૈષ્ણોદેવી સર્કલ, નિકોલ, નરોડા વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. માહિતી મુજબ, ગુજરાત સહિત દેશભરમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ કર્યા હતા. દિલ્હી-એનસીઆરથી લઈને લખનૌ સુધી ધરા ધ્રૂજી હતી. ગુરુગ્રામ અને નોઈડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી.
આ પણ વાંચો…સુરતમાં પ્રેમ સંબંધમાં પોતાના જ મિત્રને ઉતારી દીધો મોતને ઘાટ
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં છત ધરાશાયી થતાં 11ના મોત
જણાવી દઈએ કે, ભારતની સાથે અફઘાનિસ્તાન, તઝાકિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે રાતે લગભગ 10.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 10 સેકન્ડ સુધી લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. માહિતી મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મંગળવારે 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના જુદા-જુદા ભાગોમાં છત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.