Gandhinagar, EL News
ગાંધીનગરથી સિનિયર સિટીઝન માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં ફરી એકવાર સિનિયર સિટીઝનને નિશાન બનાવવામાં આવ્યા છે. સેક્ટર-24ના વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલક અને તેના બે સાગરિતોએ અંદાજે રુ. 1 લાખનો સોનાનો દોરો લૂંટી વૃદ્ધ દંપતીને રિક્ષાની બહાર ફેંકી દીધા હતા. જો કે, વૃદ્ધ દંપતીએ બૂમાબૂમ કરતા ત્યાં હાજર લોકોએ રિક્ષાને રોકી હતી અને ત્રણ પૈકી બે આરોપીઓને પકડીને પોલીસના હવાલે કર્યા હતા. જ્યારે ફરાર આરોપીની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-24 આદર્શનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાધનપુરના વતની 72 વર્ષીય ઉર્મિલાબેન પરમાર નિવૃત્ત શિક્ષિકા છે અને તેમના પતિ ચતુરભાઈ છે જે પણ નિવૃત્ત છે. રાધનપુરમાં પૌત્રીનો લગ્ન પ્રસંગ હોવાથી વૃદ્ધ દંપતી ત્યાં ગયા હતા. રાધનપુરથી ગાંધીનગર આવતી વેડાએ ઘ-6 સર્કલ ખાતે ઉતર્યા હતા. વૃદ્ધ દંપતીને ખ-6 સર્કલ જવાનું હોવાથી રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન એક રિક્ષાચાલક ત્યાં આવ્યો હતો અને વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અન્ય બે શખ્સ પણ હતા.
આ પણ વાંચો…ઉનાળો શરૂ થતાં જ લીંબુના ભાવ વધ્યા, જાણો
પાછળ બેઠેલા શખ્સોએ સોનાનો દોરો ઝૂંટવ્યો
દરમિયાન પાછળ બેઠેલા શખ્સોએ ઉર્મિલાબેનના ગળામાંથી બે તોલા વજનનો કિંમત રૂ. 1 લાખનો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો અને પછી વૃદ્ધ દંપતીને રિક્ષામાંથી બહાર ધક્કો મારી દીધો હતો. જો કે, વૃદ્ધ દંપતીએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ત્યાં ભેગા થયા હતા અને રિક્ષા રોકી ત્રણ પૈકી બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે આરોપી રિક્ષાચાલક ત્યાંથી ફરાર થયો હતો. સ્થાનિક લોકોએ પકડેલા આરોપીઓને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં બંને આરોપીના નામ મુકેશ પટણી, શૈલેશ પટણી હોવાનું જણાવ્યું હતું, જ્યારે ફરાર આરોપીની ઓળખ કલ્પેશ પટણી તરીકે થઈ હતી. પોલીસે ફરાર આરોપી કલ્પેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.