Rajkot , EL News
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ ચાર વોર્ડમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકારી જમીન, રસ્તા અને વોંકળા પર ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. રૂ.1.30 કરોડની 265 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.1, 2, 3 અને 9માં અલગ-અલગ 6 સ્થળોએ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ
જે અંતર્ગત 265 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. વોર્ડ નં.1માં એરપોર્ટની દિવાલ પાસે અક્ષર નગર વિસ્તારમાં ટીપી તથા ઇન્ટર્નલ રોડ પૈકીની જમીન પર, વેલનાથ ચોકથી અંદર ગોવિંદનગર વિસ્તારમાં ઇન્ટર્નલ રોડ પૈકીની જમીન, વોર્ડ નં.2માં ભોમેશ્ર્વર પ્લોટમાં પોલીસ હેડ ક્વાર્ટરની દિવાલની બાજુમાં કોર્પોરેશનની માલિકીની જમીન, વોર્ડ નં.3માં પરસાણા નગર વોંકળા અને રઘુનંદન સોસાયટી પોપટપરામાં વોંકળાની જમીન પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.9માં નટરાજ નગર વાળી આવાસ યોજનામાં સરકારી તથા ટીપી રોડ પૈકીની જમીન પર ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપવા છતાં આસામીઓ દ્વારા દબાણો દૂર કરવામાં ન આવતા આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.