Business, EL News
HDFC Bank scam: જો તમારુ એકાઉન્ટ પણ એચડીએફસીબેંક (HDFC Bank) માં છે તો આ સમાચાર જરૂર વાંચી લેવા જોઈએ. દેશમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે એચડીએફસી (HDFC) બેંકના ખાતા ધારકોનો ડેટા લીક થવાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેંકના 6 લાખ ગ્રાહકોના ડેટા ડાર્ક વેબ (Drak Web) પર લીક થઈ ગયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગ્રાહકોની અંગત જાણકારી લીક કરી દેવામાં આવી છે.
રિપોર્ટ આવ્યા પછી પરેશાન થયા લોકો
ગ્રાહકોની જાણકારીને પોપ્યુલર સાયબર ક્રિમિનલ ફોરમ પર પોસ્ટ કરી દેવામાં આવી છે. તેનાથી સંબંધિત રિપોર્ટ સામે આવ્યા પછી લોકો ઘણા પરેશાન થઈ ગયા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાયબર ગુનેગારોએ ખાતાધારકોના નામ, ઈ મેલ, એડ્રેસ અને મોબાઈલ નંબર સંબંધિત ડેટા લીક કર્યો છે. 6 લાખ લોકોના લીક કરેલા ડેટાને ડાર્ક વેબ પર નાખી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો…રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ
એચડીએફસી બેંકનું નિવેદન સામે આવ્યું
આ સમગ્ર કેસ પર એચડીએફસી બેંક તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. બેંકે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ પ્રકારના કોઈ પણ દાવાને ફગાવી દીધા છે. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે, એચડીએફસી બેંકનો કોઈપણ પ્રકારનો ડેટા લીક નથી થયો. બેંક તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમારા સિસ્ટમાં કોઈ ખોટી રીતે એક્સેસ નથી થયો. ગ્રાહકોનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
બેંકે વધુમાં જણાવ્યું કે, બેન્કિંગ ઈકોસિસ્ટમ પર સંપૂર્ણ નજર રાખવામાં આવી રહી છે. ડેટા સિક્યોરિટી અમારા માટે પ્રાથમિક છે. બેંક તરફથી આ પ્રકારના દાવાઓને ફગાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ ઓનલાઈન ફ્રોડના કેસો સતત વધી રહ્યાં છે. બેંકો પણ તેમના ગ્રાહકોને સાવધાન રહેવા માટે જરૂરી સાવચેતી રાખવા માટે કહે છે. તાજેતરમાં જ એચડીફસી બેંકના ખાતા ધારકોનો ડેટા લીક થયાના સમાચારો વાયરલ થયા હતા. જો કે, આ અહેવાલોને બેંકોએ ફગાવી દીધા છે. પરંતુ આ ડિજિટલ યુગમાં આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે, ભૂલથી પણ આપણી માહિતી અજાણી વ્યક્તિ પાસે ન જતી રહે.