Rajkot, EL News
ખેડૂતોને તેમના પાક માટે પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા નોડલ એજન્સી નાફેડને જવાબદારી સોંપવામાં આવી છે. નાફેડ દ્વારા રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની ખરીદી શરૂ પણ કરવામાં આવી રહી છે. પરંતુ, રાજકોટ સહિત વિવિધ માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીમાં ખેડૂતોને રસ નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી મુજબ, નાફેડ દ્વારા ખેડૂતોને ડુંગળીની ઓછી કિંમત અપાતા હોવાના આક્ષેપ સાથે કેટલાક ખેડૂતોએ નાફેડને ડુંગળી ન વેચવાનો નિર્ણય કર્યો છે.
નાફેડ દ્વારા ડુંગળીના પ્રતિકિલો રૂ.7થી 9 સુધીનો ભાવ અપાય છે
મીડિયા અહેવાલ મુજબ, ગુરુવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીના રૂ.7.92 પ્રતિકિલો ભાવ અપાતો હતો. જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને કિલો દીઠ રૂ.15નો ભાવ મળી રહ્યો છે. જો કે, ખેડૂતો દ્વારા વિરોધ દાખવતા આજે એટલે કે શુક્રવારે ખેડૂતોને ડુંગળીનો રૂ.9.5 પ્રતિકિલો સુધીનો ભાવ આપવામાં આવી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ આજે નાફેડે ડુંગળીની ખરીદી કરી પરંતુ, ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજથી નાફેડ દ્વારા ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની ખરીદી માટે સ્ટોલ લગાવવામાં આવ્યા છે. પરંતુ, સવારથી લાગેલા નાફેડના સ્ટોલમાં ખેડૂતો ડુંગળી નથી વેચી રહ્યા. ખેડૂતો નાફેડ દ્વારા જાહેર કરાયેલા ભાવ પ્રત્યે નારાજગી દર્શાવી રહ્યા છે.
આ પણ વાંચો…કોરોના પછી હવે H3N2એ મચાવ્યો કહેર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે નાફેડની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
બીજી તરફ નાફેડના અધિકારીઓનું કહેવું છે કે સરકારની માર્ગદર્શિકા અને ભાવ મુજબ ડુંગળીની ખરીદી કરવા માટે તેઓ બંધાયેલા છે. ડુંગળીની ગુણવત્તા, તેની સાઇઝ જો સરકારની ગાઇડલાઇન પ્રમાણે ના હોય તો પછી તેના ભાવમાં પણ ફરક પડે છે. જો કે, ડુંગળીના ઓછા ભાવ મામલે ખેડૂતોમાં રોષ જોઈ હવે આ મુદ્દાએ રાજકીય રંગ લઈ લીધો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નાફેડની કામગીરી પર સવાલ ઉઠાવી ખેડૂતો સાથે મજાક કરાતી હોવાનો આરોપ લગાવ્યો છે.