Ahmedabad, EL News
ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ પરીક્ષાઓના આયોજન અંગે અમદાવાદ ડીઇઓ કચેરીમાં ચર્ચા થઈ હતી. માહિતી મુજબ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આથી શહેર અને ગ્રામ્ય DEO દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરીક્ષામાં થતી ગેરરીતીને અટકાવવા અને સુરક્ષાના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી અને ફ્લાયિંગ સ્કોડ દ્વારા બાઝ નજર રાખવાના આવશે.
કુલ 634 બિલ્ડિંગમાં યોજાશે પરીક્ષા
માહિતી મુજબ, આ વર્ષે અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળી ધો. 10માં કુલ 1,08,844 અને ધો. 12 સામાન્ય પ્રવાહના 65,780 અને વિજ્ઞાન પ્રવાહના 15,675 વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ પરીક્ષાઓ અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ 634 બિલ્ડિંગમાં યોજાશે. તમામ કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત, બિલ્ડિંગમાં ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત, પરીક્ષા કેન્દ્ર પર ખંડ નિરક્ષક, સ્થળ નિરીક્ષક અને ફલાયિંગ સ્કોડ પણ તહેનાત રહેશે. એવી પણ માહિતી મળી છે કે દર 3 કેન્દ્ર વચ્ચે એક મેડિકલ ટીમ પણ હાજર રહેશે. ઉપરાંત કાળઝાળ ગરમીને જોતા વિદ્યાર્થીઓ માટે પાણી, લીંબુ પાણી અને ORSની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો…Anti Pimples Drinks: શું પિમ્પલ્સ ચહેરાની સુંદરતા બગાડે છે?
ફી ભરવાની બાકી હોય તો સ્કૂલ હોલ ટિકિટ રોકી શકાશે નહીં
જો કોઈ વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તો એવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી ન થાય તે માટે વિદ્યાર્થીની સ્કૂલનો સંપર્ક કરી મોબાઇલ પર હોલ ટિકિટ મંગાવી આપવાની સુવિધા પણ ઊભી કરાશે. સાથે જ જો કોઈ વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય તો સ્કૂલ દ્વારા તે વિદ્યાર્થીની હોલ ટિકિટ રોકી શકાશે નહીં. માહિતી મુજબ, આ વર્ષે સાબરમતી જેલમાંથી કુલ 49 કેદી પરીક્ષા આપવાના છે. આથી જેલમાં જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરાઈ છે.