Surat, EL News
સુરતના લિંબાયત ટીપી નંબર 39ના પ્લોટના કબજા અંગેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હોવા છતાં હાઇકોર્ટના આદેશથી ઉપરવટ જઈને સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓએ પોતાના અંગત વ્યક્તિને લાભ આપવાનો હોવાથી ભ્રષ્ટાચાર કરીને ટીપી નંબર 39માં જે મૂળ માલિકનો પ્લોટ હતો તે અન્ય કોઈને સોંપી દીધો હતો. આ વાત હાઈકોર્ટને ધ્યાને આવતા કોર્ટે મનપાના કમિશનરને બિનશરતી માફી માગવા આદેશ કર્યો હતો, જેને લઈને સોમવારે કમિશનરે કોર્ટમાં માફી માગી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, લિંબાયત ટીપી નંબર 39ના પ્લોટના કબજા મામલે સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. લિંબાયત વિસ્તારની ટીપી નંબર 39માં જે પ્લોટ મૂળ માલિકનો હતો, તેનો કબજો અધિકારીઓએ અન્ય કોઈને સોંપી દીધો હતો. આ વાત હાઈકોર્ટના ધ્યાને આવતા કોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. આ સાથે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો…રેસિપી / આ રીતે બનાવો કેસરિયા ભાત, પ્રસાદમાં ધરાવો
મનપા કમિશનરે બિનશરતી માફી માગી
આ મામલે હાઈકોર્ટની અવમાનના કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થતા કોર્ટે સુરત મહાનગરપાલિકાના કમિશનરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને બિનશરતી માફી માગવા ફરમાન કર્યું હતું. આથી સોમવારે મનપા કમિશનર શાલિની અગ્રવાલ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી. તેમ જ એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટની ફટકાર બાદ કમિશનર સહિતના અધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.