Ahmedabad, EL News
અમદાવાદમાં હવે ઉનાળાની શરૂઆત થઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે કેટલાક શહેરોમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગ આગાહી સામે આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 4થી 7 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાAગ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા
માહિતી મુજબ, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 4 અને 5 માર્ચ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, ભૂજ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે વિભાગે સૌરાષ્ટ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો…સૌથી કઠિન “પ્રણામાં ગર્ભ પિંડાસન ” કરીને નડિયાદ ની ટ્વિંકલ આચાર્યએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો…
સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા વિભાગનું સૂચન
વિભાગના જણાવ્યા મુજબ, શનિવારે વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રવિવારે વડોદરા, ભાવનગર, છોટા ઉદેપુર, આણંદ, અમરેલી, અને કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ઉપરાંત, સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી છે. પવનોની દિશા બદલાતા બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો વધી શકે છે. આ સાથે હવામાન વિભાગે લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા અને બેવડી ઋતુનું સાવચેત રહેવા સલાહ પણ આપી છે. બીજી તરફ, હવામાન વિભાગની આગાહીએ જગતના તાતની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.