Surat, EL News
જીવનની સમસ્યા, દુ:ખ અને તકલીફોને દૂર કરવા માટે કેટલાક લોકો અંધશ્રદ્ધાનો શિકાર બની જતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો છે, અહીં એક કોન્ટ્રાક્ટરે તાંત્રિકના જાળમાં ફસાઈ વિધિ કરાવવાના નામે રૂ. 5 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મામલે સિંગણગોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…સ્પિનચ સ્મૂધી ન્યુરો સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે
‘કોઈએ તમારું બંધન કર્યું છે. પૂજા કરાવવી પડશે’
મળતી માહિતી મુજબ, સુરતના કતારગામના ડભોલી વિસ્તારમાં રહેતા મનોજભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. મનોજભાઈ કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય ધરાવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયમાં મુશ્કેલી પડતી હોવાથી પરિચિત રઘુ મારું નામની વ્યક્તિને જણાવ્યું હતું. આથી રઘુએ રેલવે સ્ટેશન પાસે રહેતા તાંત્રિક હર્ષદ રાણા સાથે મનોજભાઈની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ તાંત્રિક હર્ષદ રાણા મનોજભાઈના ઘરે ગયો હતો અને કહ્યું હતું કે, કોઈએ તમારું બંધન કર્યું છે. પૂજા કરાવી બંધન દૂર કરવું પડશે. ત્યાર બાદ જ તમારા તમામ કાર્ય સફળ થશે. હર્ષદભાઈની વાતોમાં આવી મનોજભાઈએ જેમ કહ્યું તેમ કર્યું.
દાગીના લઈ તાંત્રિક ફરાર થયાનો આરોપ
દરમિયાન તાંત્રિક હર્ષદે એક લાલ કપડામાં તમામ દાગીના મૂકાવી ડ્રોવરમાં મૂકી દેવાનું મનોજભાઈને કહ્યું હતું. થોડા દિવસ પછી જ્યારે મનોજભાઈએ ડ્રોવરમાં ચેક કર્યું તો તેમાંથી રૂ.5 લાખના દાગીના ગાયબ હતા. આથી તેમણે તાંત્રિક હર્ષદને ફોન કર્યો હતો. હર્ષદે તેમને એક મંદિરે બોલાવી એક શ્રીફળ વધેર્યું હતું, જેમાંથી મનોજભાઈની પત્નીનું મંગળસૂત્ર નીકળ્યું હતું. તાંત્રિક હર્ષદે મનોજભાઈને આશ્વાસન આપ્યું કે બાકીના ઘરેણાં પણ મળી જશે. જોકે થોડા દિવસ પછી મનોજભાઈએ તાંત્રિક હર્ષદને સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો ફોન સ્વીચઓફ આવતો હતો અને તે પોતે પણ ગાયબ હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા મનોજભાઈએ સિંગણગોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.