Surat Gujrat, EL News
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં કેટલાક ફ્લેટ જર્જરિત હોવાનું જણાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત સાથે કતારગામ ઝોનના અધિકારીઓએ આદિનાથ એપાર્ટમેન્ટના ફ્લેટને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કોર્પોરેશનની ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટમાં કુલ 5 વિંગ છે, જેમાં દરેક વિંગમાં 16 ફ્લેટ છે આમ કુલ 64 ફ્લેટ છે, જેમાં મોટાભાગના ફ્લેટ જર્જરિત અવસ્થામાં છે. જ્યારે 18 જેવા ફ્લેટમાં લોકો રહી રહ્યા હતા. આથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આદિનાથ એપાર્ટમેન્ટમાં સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ હતી. જોકે અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો કેટલાક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ પહેલા આદિનાથ એપાર્ટમેન્ટના કેટલાક સભ્યો દ્વારા આર્કિટેક્ટને નિમણૂંક કરી સ્ટ્રકચરલ સ્ટેબિલીટી રિપોર્ટ કઢાવી મનપામાં રજૂ કર્યો હતો.
આ પણ વાંચો…હેલ્થકેર પર ચુકવવું પડશે વધારાનો 5 ટકા ટેક્સ,
એપાર્ટમેન્ટના સભ્યોએ કરાવેલો રિપોર્ટ મનપાએ ફગાવ્યો હતો
જોકે આ રિપોર્ટને મનપાએ ફગાવી દીધો હતો. સભ્યોને જણાવ્યું હતું કે મનપા દ્વારા સત્તાવાર રીતે નક્કી કરેલી એસવીએનઆઇટી કોલેજ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે તેને જ માન્ય રાખવામાં આવે છે. મીડિયા અહેવાલ મુજબ, મનપાના કતારગામ ઝોનના આસિસ્ટનટ ઈજનેર હેમંત પટેલે જણાવ્યું કે, વિભાગ દ્વારા SVNITમાં આદિનાથ એપાર્ટમેન્ટનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે, મિલકત રહેવા લાયક નથી. બિલ્ડિંગમાં માત્ર કોસ્મેટિક રિપેરિંગ થયું હોવાનું સામે આવતા મકાન રહેવા લાયક ન હોવાનું જણાવ્યું હતું.