Business , EL News
વિશ્વમાં ભારત અને ભારતીય મૂળના લોકોનું વધતું વર્ચસ્વ ફરી એકવાર સામે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના અજય સિંહ બંગા (Ajay Singh Banga) ને વર્લ્ડ બેંક (World Bank) ના પ્રેસિડેન્ટ પદ માટે નોમિનેટ કર્યા છે. વિશ્વની આ સૌથી મોટી બેંકમાં સભ્ય દેશો મે 2023 સુધી તેમના વતી નામાંકન આપશે. જો વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અજય સિંહ બંગાના નામને મંજૂરી આપે છે, તો તેઓ આટલા ઉચ્ચ પદ પર પહોંચનારા ભારતીય મૂળના પ્રથમ ઈન્ડો-અમેરિકન હશે.
માસ્ટર કાર્ડના રહી ચૂક્યા છે સીઈઓ
અજય સિંહ બંગા (Ajay Singh Banga) અગાઉ માસ્ટરકાર્ડના સીઈઓ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઈસ પ્રેસિડેન્ટનું પદ સંભાળી રહ્યા છે. તેમણે અમેરિકન રેડ ક્રોસ, ડાઉ ઇન્ક. અને ક્રાફ્ટ ફૂડ્સના બોર્ડમાં સેવા આપી છે. તેમની પાસે બિઝનેસ સેક્ટરમાં 30 વર્ષનો અનુભવ છે. અજય સિંહ બંગાએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. અહીંથી તેમણે ઈકોનોમિક્સની ડિગ્રી લીધી હતી.
આ પણ વાંચો…લગ્ન પહેલા વર-કન્યાને હળદર કેમ લગાવવામાં આવે છે?
મળી ચૂક્યો છે પદ્મ શ્રી એવોર્ડ
અજય સિંહ બંગા (63) લગભગ 12 વર્ષ સુધી માસ્ટર કાર્ડ ઇન્ક. (Mastercard Inc) ના સીઈઓ હતા અને ડિસેમ્બર 2021માં રિટાયર થયા. ભારત સરકારે વર્ષ 2016માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમણે યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે પાર્ટનરશિપ ફોર સેન્ટ્રલ અમેરિકાના ચેર તરીકે સેવા આપી છે. તેઓ અમેરિકા-ભારત ભાગીદારી વધારવા માટે કામ કરતી અનેક સંસ્થાઓના સ્થાપક સભ્ય પણ છે.
જો બિડેને કરી જાહેરાત
તેમના નામાંકનની જાહેરાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) એ જણાવ્યું કે, આ નાજુક સમયે વર્લ્ડ બેંક (World Bank) નું નેતૃત્વ કરવા માટે તેઓ યોગ્ય વ્યક્તિ છે. તેમની પાસે કંપનીઓના નિર્માણ અને બિઝનેસ સેક્ટરમાં 3 દાયકાથી વધુનો અનુભવ છે. તેમનો વિશ્વભરના વૈશ્વિક નેતાઓ સાથે ભાગીદારીનો સારો ટ્રેક રેકોર્ડ છે. જો બંગાને તક મળશે તો તેઓ સફળ અધ્યક્ષ સાબિત થશે.
મે મહિનામાં થશે અંતિમ નિર્ણય
જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે રાજીનામું આપ્યું હતું. તેમનો 5 વર્ષનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂરો થવાનો હતો, પરંતુ તે પહેલા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. તેમના અનુગામીની પસંદગીની પ્રક્રિયા ગુરુવારે શરૂ થઈ હતી. તેમાં તમામ સભ્યો પોતપોતાના વતી નામાંકન કરે છે. આ વખતે તમામ દેશોના નામાંકન 29 માર્ચ સુધીમાં મંજૂર કરવામાં આવશે. તેના પછી મે મહિનામાં વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક થશે, જેમાં એક નામ ફાઈલ કરીને તેની જાહેરાત કરવામાં આવશે.