Rajkot, EL News:
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ છાસવારે દારૂની હેરાફેરી અને દારૂની મહેફિલ માણતા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી હોય છે, પરંતુ હવે રાજકોટ કોર્પોરેશનની વેસ્ટ ઝોનની ઓફિસનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરએમસીની બિલ્ડિંગમાં આવેલા શૌચાલયની બહાર દારૂની ખાલી બોટલો પડી છે એવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર, સરકારે લીધો નિર્ણય
વીડિયો અંગે તપાસના આદેશ થઈ શકે
મીડિયા અહેવાલ મુજબ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેસ્ટ ઝોનમાં આવેલી ઓફિસનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં આરએમસીની બિલ્ડિંગમાં આવેલા શૌચાલયની બહાર દારૂની ખાલી બોટલો મળી આવી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ ઘટના બાદ ઘણી શંકાઓ ઉપજી રહી છે. અહીંના જ કર્મચારીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જોકે આ વીડિયો ફરતો થતા હવે આ અંગે તપાસના આદેશ આપવામાં આવી શકે છે.
સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ થઈ શકે
મીડિયા અહેવાલ મુજબ, આ અંગે હાલ પોલીસને કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો પોલીસ પણ કાર્યવાહી કરશે, પરંતુ આરએમસીની બિલ્ડિંગનો આ વીડિયો સામે આવ્યા બાદ દારૂની પાર્ટી કોર્પોરેશનના કર્મચારી દ્વારા જ કરવામાં આવી હતી કે શું? શું ઓફિસ છૂટ્યા પછી અહીં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? જેવા સવાલો ઊઠી રહ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ પાર્ટી માટે આ જગ્યા પસંદ કરવામાં આવી હોઈ શકે છે. જોકે બનાવની વિગતો માટે CCTV કેમેરા દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. જોકે સંપૂર્ણ રીતે યોગ્ય તપાસ થયા બાદ જ એ બાબત સામે આવશે કે શું અહીં દારૂની પાર્ટી કરવામાં આવી હતી? અને આ દારૂ પાર્ટીનું આયોજન કરવા પાછળ કોણ છે?