Ahmedabad, EL News:
રાજ્યમાં હાલ લોકો ગાત્રો ગાળી નાખતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં તો ઠંડીનો પારો રેકોર્ડ લેવલે પહોંચ્યો છે. ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલનો અહેવાલ મુજબ, આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન પણ 3 ડિગ્રી સુધી વધી શકે છે, પરંતુ બુધવારે રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત રહેવાના સંકેત છે.
લધુત્તમ તાપમાન 3 ડિગ્રી વધવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે. કેટલાક વિસ્તારમાં તો ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે કેટલીક સ્કૂલોમાં ઠંડીના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે થોડા રાહતના સમાચાર આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલના અહેવાલ મુજબ, આવતીકાલથી ઠંડીથી લોકોને થોડી રાહત મળશે. કાલથી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધવાની શક્યતા વિભાગે દર્શાવી છે. જોકે બુધવારે ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે એવા અનુમાન છે.
આ પણ વાંચો…લિમિટ કરતા વધુ બદામ ન ખાવો
નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું
માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં તાપમાન 2.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી પડી છે. ઉપરાંત, રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે શિયાળાની સીઝન વધુ સમય સુધી રહેશે. સવાર અને રાત્રિના સમય દરમિયાન વધુ ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધવાની શક્યતા છે. માહિતી મુજબ, આગામી થોડા દિવસ હળવા વાદળો રહેશે. ત્યાર બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતા વધુ છે. સાથે જ સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના મૌસમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.