Business, EL News:
પાકિસ્તાન પોતાના પતન તરફ આગળ વધુ રહ્યું છે અને ગમે ત્યારે નાદાર જાહેર થઈ શકે એમ છે. ત્યારે હવે પાકિસ્તાન માટે વધુ એક શરમજનક આંકડો સામે આવ્યો છે. પાકિસ્તાનની તિજોરી તળિયા ઝાટક થઈ ચુકી છે. પાકિસ્તાનની તિજોરી પહેલાથી જ કથળતી અર્થવ્યવસ્થા સાથે ઝઝૂમી રહી છે, જે હવે લગભગ ખાલી થઈ ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દેશમાં માત્ર 3 અઠવાડિયા સુધી આયાત કરવા લાયક ડોલર બચ્યા છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, પડોશી દેશનો વિદેશી મુદ્રા ભંડાર ડિફોલ્ટના ડર વચ્ચે આઠ વર્ષના સૌથી નીચલા સ્તર $5.5 બિલિયન પર આવી ગયો છે.
પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર છેલ્લા 8 મહિનાથી IMF, ચીન અને સાઉદી પાસે મદદની વિનંતી કરી રહી છે. પરંતુ તેના પરિણામો સારા આવી રહ્યા નથી. સરકાર દ્વારા તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસો છતાં વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટી ગયો છે. અહીંના એક અખબારના અહેવાલ મુજબ, 30 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ની રિઝર્વ આઠ વર્ષની નીચી સપાટી $5.576 બિલિયન પર આવી ગઈ.
આ પણ વાંચો…સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે નિન્જા ટેકનિક
પાકિસ્તાનનું દેવાળું ફૂંકાવાનું જોખમ વધ્યું
દેશને આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન, પાકિસ્તાને તેનું દેવું ચૂકવવા માટે 245 મિલિયન અમેરિકન ડોલર્સ ખર્ચવા પડ્યા હતા. PMLN-ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર માટે વિદેશી દેવાની ચુકવણી એ સૌથી વધુ ચિંતાજનક પ્રશ્ન છે, જે ડિફોલ્ટના ગંભીર ખતરાનો સામનો કરી રહી છે.
IMFની મદદમાં વિલંબને કારણે સ્થિતિ મુશ્કેલ
આગામી હપ્તાને રિલીઝ કરવા માટે IMF સાથે વાતચીત ફરી શરૂ કરવાના ઘણા પ્રયાસો અત્યાર સુધી નિરર્થક રહ્યા છે. ઘટતી રિઝર્વને કારણે યુએસ ડૉલર અને અન્ય મુખ્ય ચલણો સામે સ્થાનિક ચલણનું ઊંડું અવમૂલ્યન થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે SBPનું ફોરેક્સ રિઝર્વ જાન્યુઆરી 2022માં 16.6 બિલિયન ડોલરથી ઘટીને 5.6 અબજ ડોલર થયું છે. SBP રિઝર્વમાં તીવ્ર ઘટાડા છતાં, નાણાપ્રધાન ઇશાક ડાર હજુ પણ મિત્ર દેશો તરફથી અપેક્ષિત નાણાકીય મદદના વચન સાથે પરિસ્થિતિને પાછી લાવવા માટે આશાવાદી છે, પરંતુ એક અખબારના અહેવાલ અનુસાર, અત્યાર સુધી કશું પ્રાપ્ત થયું નથી.
માત્ર 3 અઠવાડિયાની આયાત શક્ય
અહેવાલ અનુસાર, SBPનો ભંડાર માત્ર ત્રણ સપ્તાહની આયાત માટે પૂરતો છે. સપ્તાહ દરમિયાન દેશની કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર 11.4 બિલિયન અમેરિકન ડોલર હતી, જેમાં વ્યાપારી બેંકોના 5.8 બિલિયન અમેરિકન ડોલર સામેલ છે. પરિસ્થિતિ ચિંતાજનક છે કારણ કે વિદેશી બેંકો લેટર્સ ઓફ ક્રેડિટ ખોલવા માટે ભારે ફી વસૂલ કરે છે જ્યારે સ્થાનિક બેંકો ડોલરની તીવ્ર અછતને કારણે SBP દ્વારા પ્રતિબંધિત છે. એસબીપીએ જણાવ્યું હતું કે ગુરુવારે ડૉલર 17 પૈસા વધીને 227.12 રૂપિયા પર બંધ થયો હતો, પરંતુ ઇન્ટરબેંક માર્કેટમાં કરન્સી ડીલર્સે 228.10 રૂપિયાનો દર જણાવ્યો.