Rajkot, EL News:
રાજકોટમાં મંગળા રોડ પર આવેલા વિદ્યાનગરમાં રહેતો પરિવાર કચ્છમાં માતાનો મઢ હાજીપીર અને મોગલધામ કબરાઉ દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે મોરબી પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં માતા-પુત્રી સહિત ત્રણને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલી માતા અને તેની બન્ને પુત્રીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો…બ્રોકલી બદામ સૂપ બનાવવાની રેસીપી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં મંગળા રોડ પર આવેલા વિદ્યાનગરમાં રહેતાં સવિતાબેન ધીરજભાઈ રાઠોડ (ઉ.વ.૪૩) તેની પુત્રી નેન્સીબેન ધીરજભાઈ રાઠોડ (ઉ.વ.૮) અને શિલ્પાબેન ધીરજભાઈ રાઠોડ તેમજ તેમનો પુત્ર ઈકો કારમાં બેસી મોરબી તરફથી રાજકોટ આવી રહ્યા હતા. ત્યારે મોરબી નજીક આવેલા નાગડાવાસ પાસે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં માતા-પુત્રીને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે,સવિતાબેન રાઠોડ પોતાના સંતાનો સાથે વિશાલભાઈની ઈકો કાર ભાડે બંધાવી કચ્છમાં હાજીપીર, માતાનો મઢ અને મોગલધામ કબરાઉ ખાતે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે મોરબી નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.