Godhra, Panchmahal:
પંચમહાલ એલસીબી પોલીસે ૧૦ વર્ષ અગાઉ પોસ્ટ ઓફિસ એજન્ટ દ્વારા આચરાયેલા નાણાં ઉચાપત કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજેશ ત્રિવેદીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, સમગ્ર બનાવ બાબતે સને ૨૦૧૨ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે 5.22 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો.
આજથી દસ વર્ષ અગાઉ સને ૨૦૧૨ માં ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસમથકે રાજેશ ત્રિવેદી નામના પોસ્ટ ઓફિસ એજન્ટ દ્વારા ૧૦.૨૭ લાખ જેટલી માતબર રકમ પોસ્ટ ઓફિસમાંથી બારોબાર ઉપાડી લઈ અંગત કામે વાપરી નાખી હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી.
સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતા આરોપી પોસ્ટ ઓફિસ એજન્ટ રાજેશ ત્રિવેદી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીના મકાનમાં તપાસ કરતા મકાનમાંથી ૮૬૩ પાસબુક, ૨૫ હિસાબી ચોપડાઓ, ૬૨ રબ્બર સ્ટેમ્પ, ડિપોઝિટ રિકરિંગ એકાઉન્ટ ફોર્મ નં-6 ના ૮ જેટલા બંડલો, સેવિંગ બેંકમાં ખાતું ખોલવા માટેના ૮૫ ફોર્મ સહિતના વિવિધ બેન્કની પાસબુક, બ્લેન્ક ચેક સહિતના ઢગલાબંધ દસ્તાવેજો મળી આવતા પોલીસે તમામ દસ્તાવેજો કબજે લઈને બે મકાનો સિલ કર્યા હતા.
બાઈટ : એસ બી કુંપાવત, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ મુખ્યમથક, ગોધરા.
પોલીસે આ ગુનાની તપાસ દરમ્યાન ફરિયાદી અને ૧૨૦ જેટલા અન્ય ભોગ બનનાર વ્યક્તિઓના નિવેદન લીધા હતા, જેમાં કુલ 5.22 કરોડ રૂપિયાની માતબર રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે ગાંધીનગર સીબીઆઈ દ્વારા પણ પોસ્ટ ઓફિસ એજન્ટ રાજેશ ચંદ્રકાંત ત્રિવેદી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં કોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કરતા રાજેશ ત્રિવેદીને ગત ૧૩ ડિસેમ્બર સુધી જામીન હેઠળ મુક્ત કરવા માટે હુકમ કર્યો હતો.
બીજી તરફ પંચમહાલ એલસીબી પોલીસે કોર્ટની શરતોને આધીન આરોપી રાજેશ ત્રિવેદીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા આરોપી રાજેશ ચંદ્રકાંત ત્રિવેદીના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે ગોધરાના પોસ્ટ ઓફિસ એજન્ટ રાજેશ ત્રિવેદી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં ગોધરા સહિતના અનેક લોકોના નાનામોટા વ્યક્તિઓના લાખો રૂપિયા ફસાયા હતા.
ત્યારે આ મામલે કેટલાક રોકાણકારોના નાણાં રિકવર પણ થયા છે અને હાલ કેટલાક વ્યક્તિઓના નાણાં હજુ પણ ફસાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતુ.