Surat :
સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે કીમ ચાર રસ્તા ખાતે એક એપાર્ટમેન્ટ પાસે ચોરેલા મોબાઈલ વેચવા ઉભેલા બે રીઢા ચોરટાઓને દબોચી લીધા છે. પોલીસે બંન્ને આરોપીઓ પાસેથી રૂ.૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં સુ.જિ. એલ.સી.બી.શાખાની પોલીસ ટીમ કીમ-કોસંબા વિસ્તારમાં પેટ્રોલીંગમાં કરી રહી હતી.તે દરમ્યાન શાખાના એ.એસ.આઈ.મુકેશ જયદેવ તથા હે.કો.અનિલ રામજીને સંયુક્ત બાતમી મળી હતી કે,કીમ ચાર રસ્તા ખાતે રહેતો વિજય ઉર્ફે પેટલો તથા તેનો સાગરીત ચોરીના મોબાઈલ ફોન લઈને કીમ તરફ જવાના રોડ ઉપર સાંનિધ્ય એપાર્ટમેન્ટ પાસે કોઈ ગ્રાહક આવે તો મોબાઈલ ફોન વેચાણ કરવા માટે ઉભા છે.
જે પૈકી વિજયે કાળા કલરનું તથા મરૂન કલરનું ગોળ ગળાવાળુ ટી-શર્ટ પહેરેલ છે.આ બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવી બંન્ને રીઢા ચોર ગઠીયાઓને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.પોલીસે બંન્ને શખ્સોની ઓળખ કરતા તેઓ માંગરોળ તાલુકાના પાલોદ ખાતેની કોહીનુર રેસીડેન્સીના ઘર નં-૩૦૧ માં રહેતો વિજય ઉર્ફે પેટલો જીણા રાજપુત(ઉ.વ.૨૨),તથા ઘર નં-૩ માં રહેતો અસલમ સલીમ ઉર્ફે નઈનામોરી સમા (ઉ.વ.૧૯) હોવાનું જણાયા હતા. પોલીસે ચોરેલ મોબાઈલ બાબતે કડક પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી કે,આ મોબાઈલ ફોન ઉપરાંત રોકડા રૂપિયા ૨૫,૦૦૦ ની રકમ પીપોદરા ગામની સીમમાં કામધેનુ પેલેસ કોમ્પલેક્ષમાંથી તથા બીજો મોબાઈલ લીડીંયાત ગામની સીમની એક સોસાયટી માંથી ચોરી કરેલ હતો.
આ પણ વાંચો… અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે
પોલીસે ઝડપેલ આરોપીઓ પાસેથી ઓપો કંપનીના ગોલ્ડન કલરના બે મોબાઈલ ફોન,જેની કુલ કિંમત રૂ.૩૦,૦૦૦ તથા અંગ ઝડતીથી મળેલ રોકડા રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.જયારે પોલીસે બંન્ને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા તેઓ વિરૂધ્ધ કોસંબા પો.સ્ટે.માં ઈ.પી.કો.કલમ-૩૮૦,ઈ.પી.કો કલમ-૪૫૪,૩૮૦ તથા ઈ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબ ત્રણ ગુનાઓ તેમજ કીમ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ-૩૯૨, ૧૧૪ મુજબ એક ગુનો નોંધાયેલ જણાયો હતો.પોલીસે બંન્ને આરોપીઓને કોસંબા પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.