Rajkot :
રાજકોટ શહેરમાં રહેતી 18 વર્ષની યુવતીને 8 ઓક્ટોબરે સાંજે બ્લીડિંગ થતાં તેની માતા સિવિલ હોસ્પિટલમાં લઈ આવી. ગાયનેક વિભાગમાં તબીબોએ ચેકઅપ કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું હતું. પરંતુ આ ગર્ભ રાખનાર બીજો કોઈ નહીં પણ યુવતીનો સગો બાપ નીકળ્યો હતો. ઘટના અંગે જાણ કરાતા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ભૂકણ સહિતની ટીમ દોડી ગઇ હતી. યુવતીએ પોલીસ સમક્ષ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે, પોતે એક ભાઇની બહેન છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે. પરંતુ માતા ઘરે ન હોય ત્યારે પિતા તેની પર બળજબરી કરી હવસ સંતોષતો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. દીકરીની માતા ગળગળાં થઈ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, તબીબી રિપોર્ટમાં દીકરી સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તબીબે મને બહાર મોકલી મારી દીકરીની પૂછપરછ કરી હતી. દીકરીને કોઈ બોયફ્રેન્ડ છે કે અન્ય કોઈએ ગર્ભ રાખ્યો તે અંગે 15થી 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. જોકે, દીકરી કશું બોલી શકી નહોતી, બાદમાં ડોક્ટરે મને બોલાવી જાણ કરી હતી.
જોકે, મારી પાસે પણ દીકરી બોલી શકી નહોતી. પરંતુ ત્યારબાદ તેણે મને રડતાં રડતાં કહ્યું હતું કે, આ ગર્ભ પપ્પાનો છે, આ સાંભળતાની સાથે જ મારા પગ નીચેથી ધરા ધ્રૂજી ગઈ હતી અને હું પણ શોક થઇ ગઈ હતી. દીકરીની સારવાર કરાવતાં તે ધીમે ધીમે સ્વસ્થ થઈ અને તેની સાથે વધુ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી એટલે કે 10-11 વર્ષની હતી ત્યારથી પપ્પા મારી સાથે અડપલાં કરતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. પિતા હોવાથી અને સમાજમાં કોઈને ખબર પડે તો આબરૂ જવાના ડરથી હું કશું બોલી શકતી નહોતી. પણ જો મેં અગાઉ હિંમત કરી તમને વાત કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવતો. ડોક્ટરોને લાગ્યું કે પ્રેમી દ્વારા ગર્ભ રહી ગયો હશે.
જ્યારે યુવતી સગર્ભા હોવાનું સ્પષ્ટ થતાં તબીબને પણ એક ક્ષણે એવું લાગ્યું હતું કે, યુવતીને તેના પ્રેમી સાથે સંબંધ હશે અને તે કુંવારી હોવા છતાં તેના પ્રેમી સાથેના સંબંધને કારણે સગર્ભા બની હશે. ડોક્ટર ધીમા પગે યુવતી અને તેની માતા પાસે પહોંચ્યા હતા અને યુવતી સગર્ભા હોવાની વાત કરી હતી. ડોક્ટરને એમ હતું કે, હમણાં જ યુવતી પર તેની માતા તાડૂકશે, પરંતુ એવું ન થયું, યુવતી અને તેની માતા રડવા લાગ્યાં, યુવતીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ડોક્ટરને કહ્યું કે, તેને તેના જ પિતાએ સગર્ભા બનાવી છે, આ વાત સાંભળી તબીબના પગ તળેથી જમીન સરી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. આવા પિતા હોય? દીકરીની જિંદગી નરક બનાવી દીધી.
આ પણ વાંચો…ગાંધીનગરના એક CAFEમાં હુક્કાબાર ઉપર SOGની રેડ
મેં મારી માતાને આ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેને એમ જ હતું કે મારા પિતા મારી સાથે માત્ર બીભત્સ હરકતો જ કરે છે, અને તે મારી માતાને જે રીતે ધમકાવતો અને મારતો તે જોઈ મારી માતા પણ તેને કંઈ કહેવાની હિંમત કરતી નહોતી, મારા પિતા વર્ષોથી મારા પર શારીરિક અત્યાચાર ગુજારતો હતો, બ્લીડિંગ થતાં મને હોસ્પિટલે લાવ્યાં અને ડોક્ટરે જાણ કરી ત્યારે મારી મનોદશા એ થઇ છે કે હું કોને ફરિયાદ કરું? શું ફરિયાદ કરું? આવા પિતા હોય? મારી જિંદગી નરક બનાવી દીધી હતી આ હેવાને. કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આમાં પોક્સોની પણ સેક્શનો લગાડવામાં આવી છે.
પોક્સોની કલમ 5 એ જોઈએ તો કોઈ પાલક પિતા, સગો પિતા હોય તો તે જાતીય હુમલાની વ્યાખ્યામાં આવે છે. આ ઘટનાને વધુ ગંભીરતાથી જોવામાં આવે છે. પોક્સો કલમ 6 હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે આ કલમ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન સજાની જોગવાઈ છે. આ પ્રકારનો ગંભીર ગુનો છે. આવા કેસમાં આરોપીને ત્વરિત સજા મળવી જો તે માટે સ્પેશિયલ કોર્ટ, સ્પેશિયલ વકીલો પણ ખાસ અદાલત માટે નિમાયેલા છે.