Vadodara :
શહેરના વાસણા રોડ દિવાળીપુરા એક્સટેન્શનમાં સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી દેવનગર સોસાયટીમાં મકાન નંબર 106માં ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો અને પડોશમાં રહેતા 2 સભ્યો સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ ઘાયલોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
વાડી ફાયર સ્ટેશન ઓફિસર, વડોદરા અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વાસણા રોડ દિવાળીપુરા એક્સટેન્શનમાં સ્વામિનારાયણ મંદિર પાછળ દેવનગર સોસાયટીના મકાન નંબર 106માં ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ મકાનમાં 45 વર્ષીય જયેશ વિજય જૈન પરિવાર સાથે રહે છે. સવારે 7.30 થી 8 વાગ્યાની વચ્ચે બનેલા આ અકસ્માતની માહિતી લોકો સુધી પહોંચી હતી.
આ પણ વાંચો… અમદાવાદમાં રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન
સ્થાનિક ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વિસ્ફોટની ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એક સંદેશ મૂકીને મૃતકોના પરિવારજનોને સંવેદના વ્યક્ત કરતાં 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ભાજપના વડા ડૉ. વિજય શાહ અને સ્થાનિક કાઉન્સિલરોએ પણ પાંચ પરિવારોના મકાનોને થયેલા નુકસાન માટે 25,000 રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. આ અકસ્માતમાં જયેશ વિજય જૈન, તેની 85 વર્ષીય માતા શકુંતલાબેન વિજય જૈન અને 12 વર્ષીય પુત્ર ધૃવેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઉપરાંત પડોશના મકાન નંબર 105માં રહેતા અંબાલાલ ચૌહાણ, લીલાબેન અંબાલાલ ચૌહાણ, દીપક ધર્મેન્દ્રસિંહ ચૌહાણને પણ ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોમાં ઘર નંબર 106માં રહેતા 85 વર્ષીય શકુંતલાબેન વિજય જૈનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 1 મહિલાનું મોત થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલ અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને આ અકસ્માતમાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. અકસ્માત બાદ સ્થાનિક કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.