Valsad:
વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની બોટનું એન્જીન બંધ પડી જવાથી મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોનું દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા છે.
કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ અંગે મળતી વિગત મુજબ નવસારીથી કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની તુલસી દેવી નામની બોટમાં 13 જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતાં.
જે દરમ્યાન વલસાડ-દમણ નજીકના દરિયામાં ભારે પવન વચ્ચે મુંબઈ તરફ જતી વખતે અચાનક એન્જીનમાં ખામી સર્જાતા બોટનું એન્જીન બંધ પડી ગયું હતું. જેથી બોટ મધદરિયે બેકાબુ બની હતી.
બોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી હતી. જે દરમ્યાન દમણ કોસ્ટગાર્ડ ને રેસ્ક્યુ માટે સૂચના અપાઈ હતી. જેથી દમણ કોસ્ટગાર્ડ ના 2 હેલિકોપ્ટર ને રવાના કરવામાં આવ્યા હતાં.
જેઓએ મધદરિયે બોટમાં ફસાયેલા 13 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી દમણ કોસ્ટગાર્ડ ખાતે લાવ્યા હતાં. જ્યાં તમામની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
માછીમારો ક્યા ગામના હતાં, બોટમાં શુ ક્ષતિ થઈ હતી, તેવી વિગતો મેળવી હતી. તમામ માછીમારો સુરક્ષિત હોવાનું જણાતા તમામને નવસારી તેમના ગામમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.