આ વર્ષના અંત સુધીમાં RBI વ્યાજ દરોમાં 1 ટકા સુધીનો વધારો કરી શકે તેવા અહેવાલો છે. ફિચ રેટિંગ્સને આશા છે કે, મોંઘવારીના મોર્ચે વણસતી સ્થિતિના કારણે RBI ડિસેમ્બર 2022 સુધીમાં રેપો રેટ 5.9 ટકા સુધી વધારી શકે છે. ફિચ રેટિંગ્સે સોમવારે જાહેર કરેલા પોતાના નવા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે, વધતી મોંઘવારીને જોતા આશા છે કે, RBI ડિસેમ્બર 2022 સુધી પોતાના વ્યાજ દરોને વધારીને 5.9 ટકા કરી દેશે.
ફિચ રેટિંગ્સનું અનુમાન છે કે, 2023ના અંત સુધીમાં RBI રેપો રેટ વધારીને 6.15 ટકા સુધી કરી શકે છે. આ પહેલા પણ પોતાના એક અનુમાનમાં ફિંચે કહ્યું હતું કે, RBI 2023ના અંત સુધીમાં રેપો રેટ 5 ટકા કરી શકે છે. જોકે, ફિંચ રેટિંગ્સનું એ પણ કહેવું છે કે, 2024માં દરોમાં કોઇ પ્રકારના ફેરફારો આવશે નહીં. ફિંચ રેટિંગ્સનું માનવું છે કે, ભારતની ઇકોનોમી સામે જિયોપોલિટિકલ સ્થિતિ, કોમોડિટીની વધતી કિંમતો અને વિશ્વભરમાં નાણાંકીય નીતિઓમાં આવી રહેલા મોટા ફેરફારો જેવા તમામ પડકારો રહેશે.
આ સિવાય અમેરિકાની ક્રેડિટ રેટિંગ એજન્સીનું કહેવું છે કે, મોંઘવારી વધીને આઠ વર્ષના શિખર પર પહોંચી ગઇ છે અને તે ઘણી વ્યાપક ધોરણે છે. તેના કારણે ઉપભોક્તાઓએ તમામ હેરાનગતિઓનો સામનો કરવો પડી શકે છે.