The Eloquent, Shivam Vipul Purohit:
પંચમહાલ એલસીબી પોલીસે ગઢ ચૂંદડી ગામ પાસેથી ગાભાની આડમાં લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડી હતી, ટ્રક સાથે પકડાયેલા ઇસમ સામે ગોધરા તાલુકા પોલીસમથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે દાહોદ તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.
જેના આધારે એલસીબી પોલીસે ગોધરા તાલુકાના ગઢચૂંદડી ગામ પાસે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે ટ્રકને અટકાવી હતી.
આ પણ વાંચો ઘોઘંબા તાલુકાના કાટું ગામે પેટ્રોલ પંપ ઉપર ગંભીર પ્રકારની ગેરરીતિ મળતા પેટ્રોલ પંપ સીલ
ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી જૂના કપડાંની આડમાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરતા રૂ.૧૨.૩૬ લાખની કિંમતની ૩૮૮ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે મોબાઈલ, રોકડ રકમ તેમજ ટ્રક મળીને કુલ રૂ. ૨૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
જ્યારે ટ્રકના ચાલક રણજીતસિંહ સુચ્ચાસિંહ ગડરીની અટકાયત કરી હતી, સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસમથકે પ્રોહીબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.