Surat, EL News
સુરતની ઇકોસેલે રાજસ્થાન અને યુપીથી બે એવા ભેજાબાજોને પકડ્યા છે, જેઓએ યુટ્યુબ પર વીડિયો જોઈ એક વેબસાઇડ બનાવી હતી અને તેના થકી ઓનલાઇન બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવી લોકો પાસે ફી પેઠે રૂપિયા પડાવતા હતા. આ ભેજાબાજ લોકોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઓળખપત્ર, જન્મ-મરણના દાખલા કાઢી આપવા માટે અલગ-અલગ ફી લેતા હતા. આ કૌભાંડ અંગે જાણ થતા સુરત ઇકોસેલે બાતમીના આધારે એક ભેજાબાજની રાજસ્થાનથી તો અન્ય એકની યુપીથી ધરપકડ કરી છે.
એક આરોપી માત્ર ધો.5 ભણેલો
સુરતના ઇકોસેલે બાતમીના આધારે બોગસ સરકારી દસ્તાવેજ બનાવી આપનારા ભેજાબાજ સોમનાથ પ્રમોદકુમારની રાજસ્થાનથી અને પ્રેમવીરસિંગ ઠાકુરની યુપીથી ધરપકડ કરી હતી. તપાસમાં ઇકોસેલને જાણવા મળ્યું કે, સોમનાથ માત્ર ધો.5 સુધી ભણેલો છે અને તે યુ-ટ્યુબ પર વીડિયો જોઇ આ રેકેટ ઘરેથી ચલાવતો હતો. તપાસમાં ખુલ્યું કે એક વોટ્સએપ ગ્રૂપ થકી આરોપી સોમનાથ અને પ્રેમવીરસિંગ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેએ સાથે કૌભાંડ કરવાનું નક્કી કર્યું હતું. સોમનાથે રૂ. 20 હજારમાં પ્રેમવીરસિંગના નામે એક વેબસાઇડ બનાવી હતી.
આ પણ વાંચો…દિવસમાં ઘણી વખત ઓડકાર આવે તો તેને અવગણશો નહીં
વેબસાઇટ પર રિચાર્જ કરી લોકો આઈડી-પાસવર્ડ મેળવતા
આ વેબસાઇડ પર રૂ. 199નું રિચાર્જ કરીને આઈડી પાસવર્ડ મેળવી કેટલાક શખ્સોએ બોગસ સરકારી દસ્તાવેજ પ્રાપ્ત કરી તેનો ઉપયોગ લોન મેળવવા માટે કર્યો હતો. આ વેબસાઇડ થકી રૂ.224માં આધાર કાર્ડ, રૂ. 214માં પાન અને ચૂંટણી કાર્ડ અને રૂ. 349માં જન્મ-મરણના દાખલા મળતા હતા. તપાસમાં સામે આવ્યું કે અત્યાર સુધીમાં આ બોગસ વેબસાઇડ થકી કુલ 2 લાખ ઓળખપત્ર અને વિવિધ દસ્તાવેજ જનરેટ કરવામાં આવ્યા હતા. ઇકોસેલે આ કેસમાં સોમનાથના બે અલગ અલગ બેંકો ખાતામાંથી કુલ 23 લાખ અને તેની માતાના ખાતામાંથી રૂ. 2 લાખ જેટલી રકમ ફ્રીઝ કરી છે. પ્રેમવીરસિંગ પણ એક સીએસસી સેન્ટર ચલાવતો હતો, જેમાં આધાર કાર્ડ, વીજબીલ, યોજના ફોર્મમાં વિગતો ભરી આપવા બદલ ફી વસૂલતો હતો. આ કેસમાં ઇકોસેલે રાજસ્થાન અને યુપીથી બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.