Breaking News ,EL News
ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ શહેરની સબ-જેલમાંથી શનિવાર (2 સપ્ટેમ્બર)ના રોજ સવારે ટ્રાયલ ચાલી રહેલા ચાર કેદીઓ ભાગી ગયા હતા, જેના પગલે તેમને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
મીડિયા અહેવાલ અનુસાર, પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 3.30થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. તેમણે કહ્યું કે, બોરસદ સબ-જેલના ચાર કેદીઓ કે જેઓ હત્યા, બળાત્કાર અને પ્રોહિબિશનના કેસોમાં સુનાવણી હેઠળ હતા, તેઓ બેરેકના ગેટની લોખંડની પટ્ટીની નીચે લાકડાના ભાગને કાપીને અને પછી ઊંચી બાઉન્ડ્રી વોલ કૂદીને નાસી છૂટવામાં સફળ થયા હતા.
કુમારે વધુમાં જણાવ્યું કે, ભાગી ગયેલા કેદીઓમાંથી એક પર હત્યાનો, બે પર બળાત્કારનો આરોપ હતો. જ્યારે એક પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO)ની જોગવાઈઓ હેઠળ અને એક રાજ્યના પ્રોહિબિશન એક્ટ હેઠળ જેલમાં હતા. તેમણે કહ્યું કે, અમે વિવિધ પોઈન્ટ પર બેરિકેટ્સ લગાવ્યા છે અને તેમને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. ભાગી ગયેલા પૈકી એકને શોધી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે ઝડપથી ખેતરમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો… PCOS એ મહિલાઓને લગતી ગંભીર સમસ્યા છે, આ ટિપ્સની મદદથી તેનાથી બચો!
અગાઉમાં આ જ જેલમાંથી ભાગી ચૂક્યા છે કેદીઓ
અધિકારીએ જણાવ્યું હતું કે, ભાગી ગયેલા કેદીઓમાંથી એક, જેના પર પ્રોહિબિશન એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, તેને તાજેતરમાં જ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને તે સ્પષ્ટ નથી કે તેને ભાગી જવા માટે કોણે પ્રોત્સાહિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બોરસદ સબ જેલમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી. 2004માં પણ આ જ સબ-જેલમાંથી દસ કેદીઓ ભાગી ગયા હતા. 2018માં બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.