Ahemdabad, EL News
રાજ્યમાં હાલ ચોમાસું પાછળ ખેંચાયું છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આથી રક્ષાબંધનના દિવસે પણ છૂટાછવાયા વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતો મુજબ, ઓગસ્ટ મહિનામાં સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે. જો કે, મહિનાના અંતે મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ, આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ નહિવત છે. જો કે, બીજી તરફ વરસાદની શક્યતાઓ ઓછી હોવાથી જગતના તાતને ચિંતા સેવાઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો વરસાદ થયો છે. જો કે, આવનારા 5 દિવસોમાં દક્ષિણ ગુજરાત સુરત, નવસારી, તાપી, વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે. અલનીનોને લીધે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત છે.
સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ઓછી
આ પણ વાંચો… હવે અહીં પણ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, રેલવેએ કરી વધારાની ટ્રેનોની જાહેરાત,
ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનો ડ્રાય રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડીયાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઓછા વરસાદની આગાહી સાથે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ જગતના તાતમાં સેવાઈ રહી છે.