Business, EL News
સિમેન્ટ બિઝનેસમાં અદાણી ગ્રુપનું વર્ચસ્વ વધુ વધવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટે એક મોટી એક્વિઝિશન ડીલ પૂર્ણ કરી છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે 5,000 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ વેલ્યુમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમ ભારતમાં અગ્રણી સિમેન્ટ કંપની છે. અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટ હાલના પ્રમોટર્સ રવિ સાંઘી અને પરિવાર પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ. (SIL)માં 56.74 ટકા હિસ્સો હસ્તગત કરશે. કંપનીએ ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે હસ્તગત કરવાનું ભંડોળ સંપૂર્ણપણે આંતરિક સંસાધનોમાંથી પૂરું પાડવામાં આવશે. આ ડીલ અદાણી ગ્રુપને સિમેન્ટનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે. અદાણી જૂથે 2028 સુધીમાં 140 MTPA (વાર્ષિક મિલિયન ટન) સિમેન્ટનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હિંડનબર્ગના અહેવાલમાં અદાણીની કંપનીઓમાં નાણાકીય અનિયમિતતાનો આક્ષેપ કર્યા પછી જૂથ દ્વારા આ પ્રથમ મોટો સોદો છે. આ સોદો અંબુજા સિમેન્ટને તેની ક્ષમતા વધારીને વાર્ષિક 73.6 મિલિયન ટન કરવામાં મદદ કરશે. અલ્ટ્રાટેક પછી અંબુજા સિમેન્ટ બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અંબુજા સિમેન્ટ અને તેની પેટાકંપની ACC લિમિટેડને હસ્તગત કરીને બહુમતી હિસ્સો ખરીદ્યા પછી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. SILનું એક્વિઝિશન અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL) ને બજારમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. આ સાથે કંપનીની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 67.5 મિલિયન ટનથી વધીને 73.6 મિલિયન ટન થઈ જશે. નિવેદનમાં જણાવાયું છે કે, “2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં 14 મિલિયન ટન માટે મૂડી ખર્ચ અને દહેજ અને અમેથામાં 5.5 મિલિયન ટન ક્ષમતાના કામકાજ પછી, અદાણી જૂથ 2025 સુધીમાં વાર્ષિક 101 મિલિયન ટનની ક્ષમતા ધરાવશે.”
આ એક ઐતિહાસિક એક્વિઝિશન છે: ગૌતમ અદાણી
તેના જવાબમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “આ એક ઐતિહાસિક એક્વિઝિશન છે. આનાથી અંબુજા સિમેન્ટ્સની વૃદ્ધિની યાત્રાને વેગ આપવામાં મદદ મળશે.” તેમણે ઉમેર્યું, “SIL સાથે હાથ મિલાવીને અંબુજા તેની માર્કેટ હાજરીને વિસ્તારશે અને તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કરશે. તેનાથી કન્સ્ટ્રક્શન મટિરિયલ સેક્ટરમાં કંપનીની લીડરશિપની સ્થિતિ વધુ મજબૂત બનશે. અદાણી ગ્રૂપ સમય પહેલા 2028 સુધીમાં વાર્ષિક 140 મિલિયન ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે.” અદાણીએ જણાવ્યું કે SIL પાસે એક અબજ ટન લાઈમસ્ટોનનો ભંડાર છે. અંબુજા સિમેન્ટ આગામી બે વર્ષમાં સંઘીપુરમની ક્ષમતા વધારીને વાર્ષિક 15 મિલિયન ટન કરશે. અંબુજા સિમેન્ટ સાંઘીપુરમ ખાતે ખાનગી પોર્ટની ક્ષમતા વધારવા માટે પણ રોકાણ કરશે. તેનાથી વધુ મોટા જહાજો ત્યાં આવી શકશે.
આ પણ વાંચો…અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત
ગુજરાતના કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટ
સાંઘી સિમેન્ટના ગુજરાતના કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટ છે. તેની પાસે વાર્ષિક 6.6 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ક્લિંકર પ્લાન્ટ અને 6.1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો સિમેન્ટ પ્લાન્ટ છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, SILનું સંઘીપુરમ યુનિટ દેશમાં એક જ ગંતવ્ય પર ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટું સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. અંબુજા સિમેન્ટે જણાવ્યું કે, “અમે SILને દેશમાં સૌથી ઓછા ખર્ચે ક્લિંકર ઉત્પાદક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અંબુજા આગામી બે વર્ષમાં સંઘીપુરમની સિમેન્ટ ક્ષમતા વધારીને 15 મિલિયન ટન કરશે.” SIL પાસે 850 ડીલરોનું નેટવર્ક છે. કંપની ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના બજારોમાં હાજરી ધરાવે છે.