24.3 C
Gujarat
November 19, 2024
EL News

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકોન ઈન્ડીયા-2023 હેઠળ આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો

Share
Gandhinagar, EL News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડીયા-2023 અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા.
PANCHI Beauty Studio
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોટિવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. એટલે જ, દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને પૂરતું પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશ-વિદેશની સેમિકન્ડક્ટર ચીપ કંપનીઓ દ્વારા ગુજરાતમાં સેમીકન્ડક્ટરના સેક્ટરમાં રોકાણથી રાજ્યમાં રોજગારીના નવા દ્વારા ખુલી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સેમિકોન ઇન્ડિયા-2023ની કોન્ફરન્સ પહેલા આ ક્ષેત્રના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા અને તેના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે આ ક્ષેત્રમાં રસરૂચિ ધરાવતા લોકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે આકર્ષણ બનશે. ગુજરાતના એન્જિનિયરિંગ તેમ જ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે સેમિકન્ડક્ટર ચીપ નિર્માણની જટીલ પ્રક્રિયાઓને સમજવા માટેની આ સુવર્ણ તક છે. વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનના વિવિધ સ્ટોલમાંથી સેમિકન્ડક્ટર ઉદ્યોગને લગતી તમામ માહિતી મેળવી ભરપૂર જ્ઞાન મેળવશે અને આ સોનેરી તકનો લાભ લેશે તેવી મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉદ્યોગ જગતના મુલાકાતીઓ માટે આ પ્રદર્શન સેમિકન્ડક્ટર ઉદ્યોગની અનુભવી વ્યક્તિઓ સાથે સંપર્કો બનાવવા, પોતાની પ્રોડક્ટને સમજાવવા, કસ્ટમર બેઝ વધારવા તેમ જ તેમના ઉદ્યોગને એક નવા સેક્ટરમાં વિસ્તાર કરવા માટે નવી તકો પૂરી પાડશે. ગુજરાતના ઉદ્યોગકારોએ પણ આ પ્રદર્શનની મદદથી સેમિકન્ડક્ટર ઉદ્યોગની જરૂરિયાતોને સમજીને, માઇક્રોન ટેકનોલોજી તેમ જ સેમિકન્ડકટર ઉદ્યોગને લગતી ભવિષ્યમાં ભારત તેમ જ ગુજરાતમાં આવનાર અન્ય કંપનીઓના સપ્લાય પાર્ટનર બનવાની તકને ઝડપી પોતાના ઉદ્યોગનો આ વિકસતા ક્ષેત્રમાં વિસ્તરણ કરવો જોઈએ, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી ચંદ્રશેખરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી સેમિકોન ઇન્ડિયા-2023 કોન્ફરન્સ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે અતિમહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. ગત વર્ષે આ કાર્યક્રમનું આયોજન બેંગ્લોરમાં થયું હતું, અને તેની બીજી શ્રેણીનું આ વર્ષે ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશનું એપી સેન્ટર બન્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નામાંકિત કંપની માઈક્રોન સાથે 22,500 કરોડના રોકાણ સાથે MoU કર્યા છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને વર્ષ 2021માં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા જે સપનું સેવ્યું હતું, તેને સાકાર કરવા છેલ્લા એક વર્ષમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ ભરી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો પણ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. આ ક્ષેત્રના વિકાસથી રોજગારીની તકોમાં પણ વ્યાપક વધારો થવાની સંભાવનાઓ છે. છેલ્લા 5થી 6 વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનું એનરોલ્મેન્ટ ઘટ્યું હતું, પરંતુ સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના એનરોલ્મેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના વિઝન સાથે જોડાયેલા આ પ્રદર્શનમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં ભારતની વૈશ્વિક પાવર હાઉસ બનવા તરફની સફરને પ્રદર્શિત કરવામાં આવશે. નાગરિકો આગામી 30 જુલાઈ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં 150 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં વિશ્વની 80 અગ્રણી કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં 25 સ્ટાર્ટઅપ્સનો પણ સમાવેશ કરાયો છે, જેઓ તેમની નવીનતાઓ પ્રદર્શિત કરશે અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાશે.

આ પણ વાંચો…  ટેસ્લાને નહીં મળે અલગથી ખાસ સુવિધા,ભારતમાં એન્ટ્રી અંગે સરકારની જાહેરાત

સેમિકોનઈન્ડિયા-2023માં વિશ્વના 23 દેશો ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના પણ સ્ટોલ છે. જે સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે રાજ્ય સરકારોના સામૂહિક પ્રયાસને દર્શાવે છે. SCL, ISRO અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર જેવી અન્ય સંસ્થાઓ પણ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ ઉપરાંત IIT બોમ્બે, IIT મદ્રાસ, BITS પિલાની, ગણપત યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સક્રિયપણે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

આ ઘટનાને જોતા ઈસનપુરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે.

elnews

સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની

elnews

અમદાવાદ એરપોર્ટ પર અનોખા અંદાજમાં દિવાળીની ઉજવણી

elnews

Leave a Comment

error: Content is protected !!