EL News
મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો મામલો જોર પકડી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ મણિપુરની સાથે પડોશી રાજ્ય મિઝોરમમાં પણ સ્થિતિ વણસવાની આશંકા છે. અહીં રહેતા મૈતેઈ સમુદાયના સેંકડો લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. આ લોકો આસામ અને મણિપુર પરત ફરી રહ્યા છે. સરકારે તેમના માટે વિશેષ ફ્લાઇટ સેવા પણ શરૂ કરી છે.
બીજી તરફ મણિપુરમાં સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે.અહીં ચુરાચંદપુર અને ઇમ્ફાલ નજીક મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે રાતોરાત ગોળીબાર થયો હતો. આ દરમિયાન ઓટોમેટિક રાઈફલ્સ, પોમ્પી ગન અને અન્ય વિસ્ફોટકથી હુમલો કરવામાં આવ્યો હતો. બિષ્ણુપુરમાં ટોળાએ એક શાળા અને અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. સુરક્ષા દળોના જવાનો સ્થળ પર તૈનાત છે. આ સિવાય થોરબંગ, કાંગવેના અંતરિયાળ વિસ્તારોમાં પણ ગોળીબાર થઈ રહ્યો છે.
મણિપુરના પડોશી રાજ્ય મિઝોરમમાં રહેતા મૈતેઈ સમુદાયના લોકો ગભરાટમાં છે.જો તમે આંકડાઓ પર નજર નાખો તો અહીં મૈતેઈ સમુદાયના 10 હજારથી વધુ લોકો છે. મિઝોરમમાં રહેતા કુકી સમુદાયના લોકોએ 24મી જુલાઈએ આઈઝોલમાં એક મોટી રેલી યોજવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં અહીં રહેતા મૈતેઈ સમુદાયના લોકોને ડર છે કે આ રેલી પછી તેમને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ જ કારણ છે કે ગભરાટના કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. તેઓ મણિપુર અને આસામ પરત ફરી રહ્યા છે.
આ પણ વાંચો… વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન
મિઝોરમ સરકાર સુરક્ષા માટે રાજધાની આઈઝોલમાં ચાર બટાલિયન કેમ્પ સ્થાપ્યા છે. મણિપુર-મિઝોરમ બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મણિપુરમાંથી વીડિયો સામે આવ્યા બાદ મિઝોરમના ભૂતપૂર્વ આતંકવાદી સંગઠન પાલમરાએ અહીં રહેતા મૈતેઈ સમુદાયને સતર્ક રહેવાની સલાહ આપી હતી.