Gandhinagar, EL News
વિદેશ મંત્રી એસ જયશંકર આજે ગુજરાતમાં રાજ્યસભા માટે 12.39ના વિજય મૂહુર્ત સમયે ઉમેદવારી નોંધાવશે. વિદેશ મંત્રી 9મી જુલાઈની સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને હવે તેઓ આજે વિધાનસભામાં પહોંચી ટૂંક સમયમાં ફોર્મ ભરશે. જો કે, એ પહેલા જ વિધાનસભામાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રી સહીતના નેતાઓ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે.
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 13 જુલાઈ સુધીમાં નામાંકન દાખલ કરવામાં આવશે. જો કે, એ પહેલા પ્રથમ નામ એસ જયશંકરનું નક્કી જ છે જ્યારે અન્ય બે નામો હજૂ સુધી સામે નથી આવ્યા. રાજ્યની વિધાનસભામાં સંખ્યાબળ જોતા આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તે નિશ્ચિત છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી દીધી છે.
જયશંકરનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે
વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી ફરી એકવાર રાજ્યસભામાં જવા માટે આજે ગાંધીનગરમાં ફોર્મ ભરશે. રાજ્યસભાના સભ્ય તરીકે વિદેશ મંત્રી એસ જયશંકરનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે. પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ ગુજરાતમાં યોજવામાં આવશે. સામે પક્ષે સંખ્યાબળ જ નથી ત્યારે ભાજપ તરફથી બિનહરીફ ચૂંટણી થવા જઈ રહી છે.
આ પણ વાંચો… ભારતીય સ્ટાર્ટઅપ્સને બિઝનેસ કરવા માટે નથી મળી રહ્યું ફંડ,
બે નામો માટે 13 તારીખ સુધીમાં નામ આવશે સામે
ગાંધીનગરના વિધાનસભા વિઠ્ઠલભાઈ ભવનના ત્રીજા માળે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાનો સમય સવારે 11 થી બપોરના 3 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. 14 જુલાઈના રોજ નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતની ત્રણ બેઠકોની મુદત આવતા મહિને પૂરી થઈ રહી છે. તેમાંથી વિદેશ મંત્રી અને અન્ય બે બેઠકો ભાજપ પાસે છે. વિદેશ મંત્રીની રાજ્યસભામાં પુન: ચૂંટણીની વિચારણા પહેલાથી જ થઈ રહી હતી, પરંતુ અન્ય બે બેઠકો માટે પક્ષ કોઈ નવા ચહેરાને રાજ્યસભામાં મોકલશે કે વર્તમાન જુગલજી ઠાકોર અને દિનેશ જે અનાવડિયાને તક આપશે તે અંગે સસ્પેન્સ છે. આ બંનેનો કાર્યકાળ પણ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે.