Business, EL News
Go First Crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ (GoFirst) એરલાઇનને રાહત આપવા માટે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ગો ફર્સ્ટ (GoFirst) એરલાઇનને ધિરાણકર્તાઓએ આશરે 400 કરોડ રૂપિયાનું વચગાળાનું ભંડોળ મંજૂર કર્યું છે. ગયા મહિને, ગો ફર્સ્ટ (GoFirst) એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા દાખલ કરી હતી. તેના પછી, એરલાઇન દ્વારા તેની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેની સાથે, એરલાઇન ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવા માટે નાણાંની વ્યવસ્થા પર ધ્યાન આપી રહી હતી.
હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, ડૉયચે બેંક અને IDBI બેંકની સમિતિએ એરલાઈનના વધારાના ભંડોળની વિનંતીને મંજૂરી આપી છે. એક ટોચના બેન્કરે જણાવ્યું હતું કે, ધિરાણકર્તાઓએ વેપાર યોજનાના આધારે ફરીથી ઓપરેશન શરૂ કરવા માટે નાણાકિય સંકટ સામે ઝઝૂમી રહેલી એરલાઈન માટે અંદાજે 400 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અન્ય બેન્કરે એમ પણ જણાવ્યું હતું કે, ધિરાણકર્તાઓ નવા ભંડોળ માટે ખુલ્લા છે અને બિઝનેસ પ્લાનના આધારે કામગીરી ફરી શરૂ કરી શકે છે.
400 થી 450 કરોડની રકમ મંજૂર કરાઈ
હાલમાં લગભગ 400 થી 450 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બાદમાં વિશેષ સ્થિતિમાં રૂપિયાની જરૂર પડવા પર ધિરાણકર્તાઓ વધારાના આકસ્મિક ભંડોળ પ્રદાન કરી શકે છે. અગાઉ રોઇટર્સના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, GoFirst એ ધિરાણકર્તાઓની બેઠકમાં વધારાના ભંડોળની માંગણી કરી હતી. એરલાઇન 4 થી 6 બિલિયન ભારતીય રૂપિયા (122 મિલિયન ડોલર) વચ્ચેના વધારાના ભંડોળની માગ કરી રહી હતી.
જુલાઈમાં ડોમેસ્ટીક ફ્લાઈટ શરૂ કરવાની યોજના
સૂત્રોનો દાવો છે કે GoFirst એ જુલાઈમાં ફરી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. GoFirst 22 એરક્રાફ્ટ સાથે 78 દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે તેવી અપેક્ષા છે. આપને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક અને ડૉઇચ બેંકને GoFirst નાદારી ફાઈલિંગમાં લિસ્ટ કરવામાં આવી છે, જેની પાસે લગભગ 65.21 અબજ રૂપિયા બાકી છે.
આ પણ વાંચો… સુરત: મનપાની ઘોર બેદરકારીનો અનુભવ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષને પણ થયો
અગાઉ, GoFirst ના CEO કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે, પ્રેટ એન્ડ વ્હીટની તરફથી એન્જિનની સપ્લાય ન થવાને કારણે એરલાઇન નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. જેના કારણે વિમાનોને ગ્રાઉન્ડ કરવા પડે છે. ગો ફર્સ્ટની કામગીરી શરૂ થયા બાદ એર ટિકિટની કિંમતમાં ઘટાડો થવાની પણ શક્યતા છે. આપને જણાવી દઈએ કે, ગોફર્સ્ટ સંકટ પછી કેટલાક રૂટ પર એર ટિકિટના ભાવ અચાનક અનેક ગણા વધી ગયા હતા.