Gandhinagar, EL News
ગાંધીનગર શહેરની સ્થાપના સમયે ત્યાં રહેતા નાગરિકો ઘરની નજીક પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં શાંતિનો અનુભવ કરી શકે, યોગા-કસરત કરી શકે, નાના બાળકો ખેલકૂદ કરી શકે તે ઉદ્દેશ્ય સાથે દરેક સેક્ટરમાં ગાર્ડન બનાવવામાં આવ્યા હતા. જો કે, જાળવણીના અભાવે મોટાભાગના ગાર્ડન હાલ જર્જરિત અવસ્થામાં છે, જ્યારે કેટલાક ગાર્ડન તો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. પરંતુ, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આ તમામ ગાર્ડનને ફરી એકવાર નવીનીકરણ કરી જીવંત કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સેક્ટર-21માં બે ગાર્ડનનું નવિનીકરણ કરાશે
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં રૂ. 8 કરોડના ખર્ચે વધુ 9 જેટલા ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. આ વર્ષે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના 9 જેટલા ગાર્ડનનું નવીનીકરણ કરવાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી. હવે સેક્ટર 1, 3, 21, 23, 25, 26, 28, 30 અને બોરિજના બગીચાઓની પસંદગી કરાઈ છે. શહેરના સેક્ટર-21માં બે ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. ઉપરાંત, બગીચાઓમાં વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ડોમ, વોક-વે, જીમના સાધનોની સુવિધા
આ પણ વાંચો… તેજસ્વી યાદવ પરના માનહાનિના કેસ મામલે 23 જૂને સુનાવણી
જે 9 ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે તેમાં લોકોના બેસવા માટે ગજેબો (ડોમ), ગાર્ડનના વિસ્તારમાં વધારો, વોક વે, રમત-ગમત અને જીમના સાધનો, ફાઉન્ટેન, ટોયલેટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગાર્ડનના નવીનીકરણ માટે રૂ. 8 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિવિધ ગાર્ડનનું નવીનીકરણ કરી ગ્રીન સિટીની ઓળખ ગુમાવી રહેલા ગાંધીનગર શહેરને ફરી એકવાર ગ્રીન ગાર્ડન સિટી બનાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.